મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઓક્ટોબર– ડિસેમ્બર 2021ના ત્રિમાસિક નાણાકીય પરિણામ જાહેર કર્યા છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં શેલ ગેસનો હિસ્સો વેચતા મળેલા રૂ. 2800 કરોડ અને અન્ય રૂ. 36 કરોડ મેળવતા કુલ રૂ. 20,539 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જે ગત વર્ષની સરખામણીએ 38 ટકા વધારે છે. આકસ્મિક આવકને બાદ કરતા કંપનીનો ચોખ્ખો નફો રૂ. 17703 કરોડ રૂપિયા રહ્યો હતો. તો ગ્રોસ રેવન્યૂ 52 ટકા વધીને રૂ. 2,09,823 કરોડ રહી છે. જ્યારે આ વર્ષની આગળના ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 1,23,997 કરોડની આવક ઉપર રૂ. 13,101 કરોડનો નફો કર્યો હતો.
રિલાયન્સની ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ નિકાસ ગત વર્ષ કરતાં 150 ટકા વધીને રૂ. 64781 કરોડ થઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનો ત્રિમાસિક નફો 10 ટકાની વૃદ્ધિમાં રૂ. 3615 કરોડ અને આવક 5 ટકા વધીને રૂ. 19,347 કરોડ નોંધાઇ છે. કંપની ગ્રાહક દીઠ સરેરાશ કમાણી ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને રૂ. 151.6 થઇ છે જે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂ. 143.6 હતી. રિટેલ બિઝનેસનું સંચાલન કરતી રિલાયન્સ રિટેલની કોન્સોલિડેટેડ ગ્રોસ રેવન્યૂ 52 ટકા વધીને રૂ. 57,714 કરોડ થઇ છે. રિલાયન્સનો ઓઇલ-ગેસ બિઝનેસની ડિસેમ્બર ક્વાર્ટરમાં આવક 56.8 ટકા વધીને રૂ. 1,31,427 કરોડ જે મુખ્યત્વે ક્રૂડ ઓઇલના ભાવ અને વેપારને કારણે છે. કંપનીને સૌથી વધુ સ્ટોર સેલ્સ અને ડિજિટલ અને ન્યુ કોમર્સમાં સતત વૃદ્ધિથી સંચાલિત તમામ સેગમેન્ટમાં અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઇ છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને એપરલ સેગમેન્ટમાં તહેવારોમાં વધુ માગ-વેચાણથી બિઝનેસ બમણો થઇ ગયો છે. તો ગ્રોસરી બિઝનેસમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઇ છે.