બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ સરોગસી દ્વારા એક બાળકના માતા-પિતા બન્યા હોવાની જાહેરાત કરી છે. પ્રિયંકા અને નિકે સોશિયલ મીડિયા પર આ વાત જાહેર કરી છે. પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિકને ટેગ કરીને એક પોસ્ટ મુકી હતી. તેમાં લખ્યું હતું કે, ‘અમે ખૂબ જ ખુશી સાથે આ વાત કન્ફર્મ કરી રહ્યા છીએ કે, અમે સરોગસીની મદદથી એક બાળકનું સ્વાગત કર્યું છે. અમે ખૂબ જ સન્માન સાથે આ ખાસ સમય દરમિયાન અમે અમારા પરિવાર પર ધ્યાન આપવા ઇચ્છીએ છીએ. ખૂબ જ આભાર.’ નિક જોનાસે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિલકુલ આવી જ પોસ્ટ શેર કરી હતી.
પ્રિયંકાના બાળક અંગે રહસ્ય છે કે તે દીકરી કે દીકરામાંથી કોનો જન્મ થયો છે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ એક દીકરીના માતા-પિતા બન્યા છે. જોકે, આ વાતની ખાતરી થઈ શકી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. વર્ષ 2000માં મિસ વર્લ્ડ બનેલી પ્રિયંકા લગ્ન બાદ મોટાભાગે અમેરિકામાં પોતાના પતિ સાથે જ રહે છે.