આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ-આઇપીએલની 15મી સીઝન યોજવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ માટે ખેલાડીઓનું મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાશે. જેથી ખેલાડીઓનું રજિસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યુ હતુ. જેમાં 19 દેશોના 1214 ક્રિકેટરોનું રજિસ્ટ્રેશન થયું છે, જે પૈકી 896 ભારતીય અને 318
વિદેશી ક્રિકેટરો છે.જોકે આ ઓક્શન માટેની અંતિમ યાદી નથી.તેમાંથી હજી ખેલાડીઓની છટણી થશે.અંતિમ યાદીમાં પસંદગીના ખેલાડીઓને જ સામેલ કરાશે. આ વખતે 15મી સીઝનમાં 10 ટીમો સામેલ થશે, જેમાં લખનઉ અને અમદાવાદ નવી બે ટીમો છે.
રજિસ્ટ્રેશન કરાવનારા પૈકી 270 ખેલાડીઓ એવા છે જે પોતાના દેશ માટે ઓછામાં ઓછી એક મેચ રમી ચુકયા છે.જ્યારે 903 ખેલાડીઓ એવા છે જે પોતાના દેશ વતી એક પણ મેચ રમ્યા નથી. 41 ક્રિકેટરો એવા દેશના છે જે દેશોને ટેસ્ટ મેચ રમવા માટે મંજૂરી નથી મળી નથી. આઈપીએલની એક ટીમ ઓછામાં ઓછા 18 ખેલાડીઓ તથા વધારેમાં વધારે 25 ખેલાડીઓને પોતાની સાથે રાખી શકે છે, એટલે કે તમામ ટીમો ભેગા થઈને પણ મહત્તમ 250 ખેલાડીઓ જ ઓક્શનમાં ખરીદી શકશે. વિવિધ ટીમો અગાઉથી જ 33 ક્રિકેટરોને ફરીથી નક્કી કરી ચુકી છે.આ સંજોગોમાં મેગા ઓક્શનમાં મહત્તમ 217 ખેલાડીઓની જ હરાજી થશે. ભારતના 61 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.આ ક્રિકેટરો ભારત માટે ઓછામાં ઓછી એક મેચ રમી ચુકયા છે.જ્યારે 143 ભારતીય ક્રિકેટર એવા છે જે પહેલા
આઈપીએલ રમી ચુકયા છે પણ ભારતનુ પ્રતિનિધિત્વ કરી શક્યા નથી. 692 ભારતીય ક્રિકેટરો એવા છે જેમણે ભારત વતી એક પણ મેચ રમી નથી. જે ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમાં ભારત-896, અફઘાનિસ્તાન-20, ઓસ્ટ્રેલિયા-59, બાંગ્લાદેશ-9, ઈંગ્લેન્ડ-30, આયર્લેન્ડ-3, ન્યૂઝીલેન્ડ-29, સાઉથ આફ્રિકા-48, શ્રીલંકા-36, વેસ્ટ ઈન્ડિઝ-41, ઝિમ્બાબ્વે-2, ભૂટાન-1, નામિબિયા-5, નેપાળ-15, નેધરલેન્ડ-1, ઓમાન-3, સ્કોટલેન્ડ-1, યુએઈ-1, અમેરિકા-14નો સમાવેશ થાય છે, જ્યારે પાકિસ્તાનના એક પણ ખેલાડીએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.