વિઝા
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ અને મીડિયા કર્મચારીઓ માટે વિઝાની અવધિ મર્યાદિત કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્તનો હેતુ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને વિઝાના દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરવાનો છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ બુધવારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે જો આ સૂચિત નિયમને અંતિમ સ્વરૂપ અપાશે, તો તે વિદેશી વિદ્યાર્થીઓ સહિત ચોક્કસ વિઝા ધારકોને અમેરિકામાં રહેવાની મંજૂરી પર સમયમર્યાદા નિર્ધારિત થશે.

DHS પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભૂતકાળના વહીવટીતંત્રોએ વિદેશી વિદ્યાર્થીઓ અને અન્ય વિઝા ધારકોને યુએસમાં લગભગ અનિશ્ચિત સમય માટે રહેવાની મંજૂરી આપી છે, જેનાથી સલામતી માટે જોખમ ઊભું થયું છે, કરદાતાઓના નાણાનો ખર્ચ થયો છે અને અમેરિકન નાગરિકોને નુકસાન થયું છે. આ નવા સૂચિત નિયમ ચોક્કસ વિઝા ધારકોને યુએસમાં રહેવાની મંજૂરી આપેલા સમયને મર્યાદિત કરીને દુરુપયોગનો કાયમ માટે અંત લાવશે.

1978થી વિદેશી વિદ્યાર્થીઓ (એફ વિઝા ધારકો)ને “ડ્યુરેશન ઓફ સ્ટેટસ” તરીકે ઓળખાતા અનિશ્ચિત સમયગાળા માટે યુ.એસ.માં પ્રવેશ આપવામાં આવે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓએ યુએસની ઉદારતાનો લાભ લીધો છે અને “કાયમ માટે” વિદ્યાર્થીઓ બની ગયા છે, દેશમાં રહેવા માટે ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં કાયમી ધોરણે પ્રવેશ મેળવ્યો છે.

ટ્રમ્પના સૂચિત નિયમ હેઠળ, ફેડરલ સરકાર વિદેશી વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિઝિટર્સ માટે અધિકૃત પ્રવેશ અને એક્સટેન્શન સમયગાળો નિર્ધારિત કરશે. આ સમયગાળા તેઓ ચાર વર્ષથી વધુ નહીં હોય.

હાલમાં વિદેશી મીડિયા કર્મચારીઓ પાંચ વર્ષ માટે જારી કરાયેલા I વિઝા પર યુએસમાં કામ કરી શકે છે અને આ સમયગાળાને અનેક વખત લંબાવી શકાય છે. નવા નિયમમાં પ્રારંભિક પ્રવેશ સમયગાળો 240 દિવસ સુધી નક્કી કરાશે.વિદેશી મીડિયા પ્રતિનિધિઓ 240 દિવસ સુધી એક્સ્ટેશન લઈ શકશે.

LEAVE A REPLY