26 જાન્યુઆરી 2026ના રોજ લંડનના ગિલ્ડહોલ ખાતે ભારતીય હાઈ કમિશન દ્વારા આયોજિત પ્રજાસત્તાક દિવસના સ્વાગત સમારંભમાં, હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેની ગહન અને ભવિષ્યલક્ષી ભાગીદારી પર ભાર મૂક્યો હતો અને સહિયારા મૂલ્યો, લોકશાહીની શક્તિ અને આર્થિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહકારના વિસ્તારની સરાહના કરી હતી.
કાર્યક્રમમાં સાંસદો બેરી ગાર્ડિનર, બોબ બ્લેકમેન, બેગર શંકર, ડીયર્ડ્રે કોસ્ટિગન, બેરોનેસ સેન્ડી વર્મા, પીઅર્સ લોર્ડ પોપટ, લોર્ડ રામી રેન્જર અને સાઉધમ્પ્ટન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર માર્ક સ્મિથ સહિત રાજદ્વારીઓ અને સમુદાયના મુખ્ય સભ્યોએ હાજરી આપી હતી.
સર લિન્ડસેએ દ્વિપક્ષીય સંબંધોના “સંપૂર્ણ નવા સ્તર”ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘’આ ઐતિહાસિક તફાવતોને બદલે પરસ્પર સમર્થન અને ભવિષ્યની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે ભારત વિશે છે. તે યુકે અને મજબૂત ભવિષ્ય વિશે છે. હાલમાં ભારત સાથેના 47.2 બિલિયન પાઉન્ડના વેપાર સંબંધ સાથે યુકે ભારતને 11મા સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે જુએ છે. ઉન્નત વ્યાપારી સંબંધો બંને રાષ્ટ્રો માટે રોજગાર અને સમૃદ્ધિને વેગ આપે છે.’’
લેન્કેશાયર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અને એડલિંગ્ટનમાં રહેતા સર લિન્ડસેએ 2024ની ભારતીય સામાન્ય ચૂંટણીને “કંઈક ખાસ” તરીકે પ્રકાશિત કરી હતી જેમાં લગભગ એક બિલીયન લોકો મતદાન કરવા માટે લાયક હતા – જે ભારતની લોકશાહી પ્રણાલીના કદ અને સ્થિતિસ્થાપકતાનો પુરાવો છે. તેમણે ગાંધીજીની 1931ની લેન્કેશાયરની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ગાંધીજીની વિદેશી માલના બહિષ્કારની અપીલ છતાય ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. જેતથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટના કાયમી સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણોનું ચિત્રણ રજૂ કરે છે.
યુકેમાં ભારતના હાઇ કમિશનર, વિક્રમ દોરાઇસ્વામીએ દ્વિપક્ષીય સંબંધોમાં સીમાચિહ્નો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ‘’40 વર્ષમાં પહેલી વાર યુકેમાં બેલફાસ્ટ અને માન્ચેસ્ટરમાં નવા ભારતીય કોન્સ્યુલેટ ખોલ્યા છે. 40 વર્ષમાં આવી રાજદ્વારી સુવિધાઓનું પ્રથમ વિસ્તરણ – અને દિવાળી પહેલા થયેલા ઐતિહાસિક રોડમેપ કરારનો સમાવેશ થાય છે. ભારત અને યુકેએ શિક્ષણ સંબંધોને મજબૂત બનાવ્યા છે, ગયા જુલાઈમાં સાઉથમ્પ્ટન યુનિવર્સિટી ભારતીય કેમ્પસ ખોલનાર પ્રથમ બની હતી.’’
શ્રી દોરાઇસ્વામીએ કહ્યું હતું કે ‘’ભારતમાં કેમ્પસ ખોલતી વિદેશી યુનિવર્સિટીઓમાં હવે યુકેની સંસ્થાઓનો હિસ્સો 60 ટકા છે. એક નવી ટેકનોલોજી સુરક્ષા પહેલે બંને દેશોના બિઝનેસીસ, સંશોધન સંસ્થાઓ અને સરકારી વિભાગોને ટેલિકોમ, ભાવિ નેટવર્ક્સ, શ્રેષ્ઠતા કેન્દ્રો અને મહત્વપૂર્ણ ખનિજો પર પ્રથમ વેધશાળા પર કામ કરવા માટે એકસાથે લાવ્યા છે. આ પગલાં આપણા સંબંધોને વધુ આધુનિક, ભવિષ્યલક્ષી, પરસ્પર ફાયદાકારક અને અલબત્ત, વધુ કાર્યક્ષમ બનાવવા માટે ફરીથી આકાર આપી રહ્યા છે. આમ કરીને, આપણે ખરેખર નવી, ખરેખર વ્યૂહાત્મક ભાગીદારી બનાવી રહ્યા છીએ, જે 21મી સદી માટે સુસંગત છે. આપણી આસપાસની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે ત્યારે ભારત-યુકેની ભાગીદારી ખાસ કરીને મહત્વપૂર્ણ હતી.’’

ભારતના બંધારણની પ્રશંસા કરી ભારતીય મૂળના બ્રિટનવાસીઓ અને યુકેમાં રહેતા ભારતીયોનો આભાર માનતા શ્રી દોરાઇસ્વામીએ વિકસતી ભાગીદારીને “આધુનિક, ભવિષ્યલક્ષી, પરસ્પર ફાયદાકારક અને વધુ કાર્યક્ષમ” તરીકે વર્ણવી હતી જે 21મી સદીની વ્યૂહાત્મક ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે. તેમણે શિક્ષણ, ટેકનોલોજી અને આબોહવા પરિવર્તન, AI ધમકીઓ અને ખોટી માહિતી જેવા વૈશ્વિક પડકારો પર સહયોગને સહિયારા ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રો તરીકે ટાંક્યા હતા.













