

લંડનના હૃદયમાં, બ્રિટિશ એશિયન એન્ટરપ્રાઇઝમાં સેન્ટ્રલ લંડનના મોરગેટમાં આવેલા 41 મૂરગેટ ખાતે આવેલ પ્રીમિયમ મેનેજ્ડ ઓફિસ ડેવલપમેન્ટ ‘વિસ્મય’નું ઔપચારિક ઉદ્ઘાટન 9 ડિસેમ્બર 2025ના રોજ લંડનના મેયર સાદિક ખાન દ્વારા રિબન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સમારોહમાં બિઝનેસ, રાજકારણ અને વ્યાપક સમુદાયના અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી હતી.
ધ એન સેઠિયા ફાઉન્ડેશન અને ધ સોલંકી ફેમિલી ઓફિસ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલ ‘વિસ્મય’નો શુભારંભ લંડનના વૈવિધ્યસભર અને ગતિશીલ બિઝનેસ લેન્ડસ્કેપ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
‘વિસ્મય’ એ સોલંકી એસેટ મેનેજમેન્ટ લિમિટેડની એક પહેલ છે, જે યુકેના સૌથી જૂના અને સૌથી મોટા એશિયન મીડિયા હાઉસ – એશિયન મીડિયા ગ્રુપ (AMG) ની એક સિસ્ટર કંપની છે; જેની સ્થાપના સ્વર્ગસ્થ રમણીકલાલ સી. સોલંકી CBE દ્વારા કરવામાં આવી હતી.
એએમજીના યોગદાનને બિરદાવતા લંડનના મેયર સાદિક ખાને પોતાના મુખ્ય ભાષણમાં સ્વર્ગસ્થ રમણીકલાલ સોલંકી, સીબીઈને શ્રદ્ધાંજલિ આપી તેમના સ્થાયી દ્રષ્ટિકોણ અને બ્રિટિશ સમાજ પરના નોંધપાત્ર પ્રભાવને યાદ કર્યો હતો.
મેયરે કહ્યું હતુ કે “રમણીકલાલ સોલંકી એક ઉત્કૃષ્ટ વ્યક્તિ હતા જેમના કાર્યથી બ્રિટનમાં એશિયન સમુદાયને એક શક્તિશાળી અવાજ મળ્યો હતો. આજે, એશિયન મીડિયા ગ્રુપ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઊભું છે જે સમુદાયો, બિઝનેસીસ અને સરકારોને જોડે છે, અને સામાજિક એકતા અને આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”
‘વિસ્મય’ના લોન્ચનું સ્વાગત કરતા, મેયરે તેને લંડન અને તેના વૈવિધ્યસભર બિઝનેસ ઇકોસિસ્ટમમાં વિશ્વાસનો મજબૂત મત ગણાવ્યો હતો.
પોતાના સંબોધનમાં ‘વિસ્મય’ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલા જયમિન કે સોલંકીએ ‘વિસ્મય’ નામના મહત્વ અને તે જે વારસાને સન્માનિત કરે છે તેના વિશે વાત કરી કહ્યું હતું કે “વિસ્મયનો અર્થ સંસ્કૃતમાં આશ્ચર્ય અને અદભુત થાય છે. આ શબ્દ મારા સ્વર્ગસ્થ દાદા, રમણીકલાલ સોલંકી, મારા દાદી, પાર્વતીબેન માટે પ્રેમથી વાપરતા હતા. આ પ્રોજેક્ટ તેમના મૂલ્યો, તેમના દ્રષ્ટિકોણ અને સમુદાયની સેવા પ્રત્યેની તેમની આજીવન પ્રતિબદ્ધતા પ્રત્યે અમારી નમ્ર શ્રદ્ધાંજલિ છે.”
બ્રિટિશ એશિયન મીડિયાના પ્રણેતા તરીકેની પૂ. દાદાની સફરને યાદ કરતાં, જયમિન સોલંકીએ તે આદર્શોને આગળ ધપાવવા માટે પરિવારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી હતી. તેમણે કહ્યું હતુ કે “મારા દાદા-દાદીએ અમને શીખવ્યું કે સફળતા હંમેશા નમ્રતા અને જવાબદારી સાથે હાથ મિલાવીને ચાલવી જોઈએ. વિસ્મય દ્વારા, અમે વારસાને આધુનિકતા સાથે જોડીને અને વિકાસ, સર્જનાત્મકતા અને સહયોગને પ્રોત્સાહન આપતા સ્થળ બનાવીને તેમના સપનાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
સોલંકી પરિવારની પ્રશંસા કરતા પ્રખ્યાત ઉદ્યોગસાહસિક અને ફિલાન્થ્રોપીસ્ટ શ્રી નિર્મલ સેઠિયાએ બ્રિટિશ સમાજમાં તેમના કાયમી યોગદાન બદલ સોલંકી પરિવારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે “સોલંકી પરિવાર પેઢી દર પેઢી મૂલ્યોનું જતન અને મજબૂતીકરણ કરવાના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક છે. મીડિયાથી ઉદ્યોગસાહસિકતા સુધી, તેમની યાત્રા પ્રામાણિકતા, સેવા અને સમુદાય પ્રત્યેની જવાબદારીની ઊંડી ભાવનાને પ્રતિબિંબિત કરે છે.”
ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એમ. એન. નંદકુમાર, MBE દ્વારા વૈદિક પ્રાર્થના અને વાસ્તુ પૂજા સાથે આ સમારોહનો આધ્યાત્મિક શુભારંભ કરવામાં આવ્યો હતો. પ. પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીના નેતૃત્વમાં નારિયેળ વધેરી વિધિ કરવામાં આવી હતી અને તેમણે નવા સાહસ માટે આશીર્વાદ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં લોર્ડ તારિક અહમદ, બિઝનેસ અને સામાજીક સંદઠનોના વરિષ્ઠ નેતાઓ, એએમજીના ગ્રૂપ મેનેજિંગ એડિટર કલ્પેશ સોલંકી; એક્ઝિક્યુટિવ એડિટર શૈલેષ સોલંકી, ચીફ ઓપરેટિંગ ઓફિસર આદિત્ય સોલંકી, સોલંકી પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને સહયોગીઓ સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સુંદર સંચાલન ફ્રન્ટ હાઉસના વડા કોલેટ વ્હેલન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે કાર્યક્રમ દરમિયાન પ્રેક્ષકોને ઉષ્મા અને સંયમ સાથે માર્ગદર્શન આપ્યું હતું.
(All Picture Courtesy – Mathews Photography)













