(ANI Photo)

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથમાં ફસાયેલી ગુજરાતના 17 યાત્રાળુઓને શુક્રવારે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતા. કેદારનાથમાં ભારે વરસાદના પગલે મંદિર તરફ જતાં સોનપ્રયાગ અને ગૌરીકુંડ માર્ગ વચ્ચેનો રોડ ધોવાઈ ગયો છે.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં તેઓ સલામત નીચે આવી ગયા છે તે રાહતની વાત છે. ગુજરાતના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આ યાત્રિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા તાત્કાલિક ઉત્તરાખંડના તંત્ર સાથે સંકલન કર્યું હતું, અને રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મહાદેવની કૃપાથી આ સૌ યાત્રિકો સલામત રીતે સુરક્ષિત સ્થાન પર પહોંચી ગયા છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે ભારે તબાહી સર્જાઈ છે. ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તાર સહિત રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતાં. ભારે વરસાદ બાદ કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. રાત્રિ હેલિકોપ્ટર દ્વારા અને પગપાળા ચાલતાં રેસ્ક્યુ ઑપરેશનમાં અત્યાર સુધીમાં 4000થી વધુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થાનો પર લાવવામાં આવ્યા છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments