આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવાર, 6 જૂને ઉત્તર ગુજરાતના મહેસાણામાં તિરંગા યાત્રા કાઢી હતી. (ANI Photo)

ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિમાં વધારો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવાર, 6 જૂને ઉત્તર ગુજરાતના મહેસાણામાં તિરંગા યાત્રા કાઢી હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મહેસાણા સામાન્ય રીતે ભાજપનો ગઢ ગણાય છે.

જનમેદનીના સંબોધન કરતાં કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સામે આકરા પ્રહાર કર્યાં હતા. કેજરીવાલે કહ્યું કે, ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે, આમ આદમી પાર્ટીનું નામ સાંભળીને નેતાઓ ડરી જાય છે. પાટીલ મારું નામ લેતાં ડરે છે અને સાથે જ ચેલેન્જ ફેંકી હતી કે, પાટીલમાં હિંમત હોય તો તે મારું નામ લઈને બતાવે. હજારોની સંખ્યામાં લોકો ત્રિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. કેજરીવાલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા સિવિલ હોસ્પિટલથી શરૂ થઈ હતી અને તોરણવાડી ચોક સુધી પહોંચી હતી.

કેજરીવાલે ‘કેમ છો’ કહીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી કટ્ટર દેશભક્તોની પાર્ટી છે. ગુજરાત પરિવર્તન ઈચ્છે છે, ગુજરાત બીજેપીથી તંગ આવી ગયું છે. ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, આ લોકો મીડિયાવાળાને ધમકી આપે છે કે આપના લોકોને ડિબેટમાં ન બોલાવતા. આપના લોકોથી આ લોકો ડરે છે, ભાજપ પેજ પ્રમુખને પૈસા આપે છે. ભાજપના પેજ પ્રમુખ પૈસા તમારા પાસેથી લેશે અને કામ આપ માટે કરશે.

કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતના અસલી મુખ્યપ્રધાન સીઆર પાટીલ છે. ભૂપેન્દ્ર પટેલ માત્ર નામના મુખ્યપ્રધાન છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાટીલે કેજરીવાલનું નામ લીધા વગર તેમને દિલ્હીના એક મહાઠગ ગણાવ્યા હતા.