• રિતિકા સિદ્ધાર્થ દ્વારા

બાળપણમાં જાતિવાદનો ભોગ બનેલા પરંતુ હવે કોન્ઝર્વેટીવ્સ મતદારો તેમની વંશીયતાને બદલે તેમની નીતિઓને પગલે તેમની પસંદગી કરશે એમ માનતા વડા પ્રધાનપદના આશાસ્પદ ઉમેદવાર ઋષિ સુનકે ‘ગરવી ગુજરાત’ને એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે બ્રિટન એશિયન વડા પ્રધાન માટે હવે તૈયાર છે.

ગયા શુક્રવારે તા. 26ના રોજ ‘ગરવી ગુજરાત’ સાથેના એક લાંબા એક્સ્ક્લુસીવ ઈન્ટરવ્યુમાં 42 વર્ષીય સુનકે જણાવ્યું હતું કે તેઓ ઓપિનિયન પોલમાં પાછળ હોવા છતાં અગાઉના અનિર્ણિત ટોરી સભ્યોને તેમનું સમર્થન કરવા માટે સમજાવવામાં સક્ષમ રહ્યા હતા.

ભૂતપૂર્વ ચાન્સેલર અને રિચમન્ડ, યોર્કશાયરના સાંસદ સુનકે કહ્યું હતું કે “હું દલીલ જીતી રહ્યો છું કે મારી યોજના, મારી પ્રાથમિકતાઓ આપણા દેશ માટે યોગ્ય છે. વડા પ્રધાનપદની હરીફાઈ કોણ પાત્ર છે અને કોની પાસે યોગ્ય દ્રષ્ટિ છે તે વિશે હતી. આપણા દેશમાં, વાસ્તવમાં, લોકો તમને તમારા ચારિત્ર્ય અને તમારા પગલાં દ્વારા નક્કી કરે છે, તમારા બેંક ખાતામાં શું છે તેના આધારે નહિં. અને લોકો જોઈ શકે છે કે મેં શું કર્યું છે. તેમણે છેલ્લા અઢી વર્ષમાં એક ખૂબ જ મુશ્કેલ સમયગાળામાંથી પસાર થતાં ચાન્સેલર તરીકે મને જોયો છે. ખાસ કરીને જેમને ખરેખર મદદની જરૂર હતી ત્યારે મેં દેશને તે આપ્યું છે. હું અલગ રીતે મોટો થયો છું અને મારી પાસે જે છે તેના માટે હું સખત મહેનત કરું છું. અને મને તેનો ગર્વ છે. આપણી પાસે એવો દેશ હોવો જોઈએ જે એવા લોકોને ટેકો આપે અને તેની ઉજવણી કરે જેઓ સખત મહેનત કરી રહ્યા છે અને તેમના અને તેમના બાળકો માટે સારા જીવનનું નિર્માણ કરી રહ્યા છે. તે જ કોન્ઝર્વેટિવ્સ મૂલ્ય છે અને તે પ્રકારની આકાંક્ષાને સમર્થન આપે છે. હું એવી સરકાર બનાવવા માંગુ છું જે તેને સમર્થન આપે.”

સુનકે જણાવ્યું હતું કે “મને પણ જાતિવાદનો અનુભવ થયો હતો. જાતિવાદ ઘૃણાજનક છે. પરંતુ હું દિલાસો લઉં છું કે એક બાળક તરીકે મારી સાથે જે બન્યું હતું તેવું લગભગ ચોક્કસપણે આજે બનશે નહીં. અથવા જો તેમ બનશે તો લોકો તે બાબતે ખૂબ જ અલગ રીતે પ્રતિક્રિયા આપશે. તે દર્શાવે છે કે આ મુદ્દાઓનો સામનો કરવામાં આપણે એક દેશ તરીકે કેટલી પ્રચંડ પ્રગતિ કરી છે. હું જાણું છું કે કોઈ અન્ય સ્થળની તુલનામાં આપણા દેશને આના પર એક અદ્ભુત ટ્રેક રેકોર્ડ છે. તેમાં અપાર સુધારો થયો છે. અમે તેને બહેતર બનાવવાની રીતો સતત શોધીએ છીએ.”

શું તમને લાગે છે કે ટોચના પદ માટેની તેમની તકોમાં રેસ એક પરિબળ છે? એવા પ્રશ્નનો ઉત્તર આપતાં સુનકે જણાવ્યું હતું કે  “નો, ગોશ, નો, બિલકુલ નહીં. અમારી પાર્ટી એવા લોકોને પ્રોત્સાહિત કરવાનો અવિશ્વસનીય રેકોર્ડ ધરાવે છે જે લોકો જે પણ કામ કરે છે તેમાં સારા છે. આ નેતૃત્વ હરીફાઈમાં અમે કાં તો અમારી ત્રીજી મહિલા વડા પ્રધાન બનાવશું અથવા તો બેન્જામિન ડિઝરાયલી પછી અમારા બીજા વંશીય લઘુમતી વડા પ્રધાન બનાવશું, અથવા પ્રથમ અશ્વેત વડા પ્રધાન બનાવશું. અને આ એ કન્ઝર્વેટિવ પાર્ટી છે જેણે આ બદલાવ લાવ્યો છે. આ એક એવી બાબત છે જેના પર આપણને બધાને ખરેખર ગર્વ હોવો જોઈએ.’’

સુનકે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે, “હું હરીફાઈના અંત સુધી પ્રયાસો ચાલુ રાખીશ અને મારાથી બને તેટલા લોકો સાથે વાત કરીશ. જુઓ, હું એવો પહેલો ચાન્સેલર બન્યો છું કે જે બાળકો અને પત્ની સાથે ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળી પ્રસંગે દીવાઓનો ઝગમગાટ પ્રગટાવી શક્યા હતા અને રંગોળી બનાવી શક્યા હતા. તમારા ઘણા વાચકોએ કદાચ મારો તે વીડિયો જોયો હશે. તે મારા માટે, અહીંના લાખો બ્રિટિશ એશિયનો અને આપણા દેશ માટે પણ ગર્વની ક્ષણ હતી. તે બ્રિટન માટે અસાધારણ બાબત છે. તેથી જ આપણામાંના ઘણા અહીં છે. આપણી આગળ ઉજ્જવળ ભવિષ્ય છે. અને હું આશા રાખું છું કે હું તે વ્યક્તિ છું જે આપણને તે સ્થાને લઈ જઈ શકે છે.”

સુનકે જણાવ્યું હતું કે ‘’NHSની સુધારણા ચાવીરૂપ છે, કારણ કે જવાબ હંમેશા વધુ પૈસા ન હોઈ શકે. મારી દલીલ એ છે કે વધુ ભંડોળ પૂરું પાડવાનો અર્થ એ છે કે તેનાથી લોકોના કરને ઓછો રાખવાનું મુશ્કેલ બનશે. સામાન્ય રીતે, હું ફાર્મસીઓનો મોટો સમર્થક છું. મારા અનુભવથી હું જાણું છું કે ફાર્માસિસ્ટ મહાન કામ કરે છે. તેમણે વધુને વધુ કર્યું છે. હુ મારી મમ્મી માટે કામ કરતો હતો તેના કરતાં ફાર્મસીઓ આજે ઘણું વધારે કરે છે. જ્યારે હું ફાર્મસીઓની મુલાકાત લઉં છું ત્યારે તેમને વધુ કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક જોઉં છું. તે વિષે આપણે ચોક્કસપણે કામ કરવું જોઈએ. કારણ કે લોકો તેને ખરેખર સારો પ્રતિસાદ આપે છે. આપણી હેલ્થકેર સિસ્ટમના અન્ય કેટલાક દબાણને મુક્ત કરે છે, તો તે સારી બાબત હોઈ શકે છે. હું ચોક્કસપણે તે જોવા મુક્ત મન રાખીશ.”

EU લોકમત પછી ટોરી મતદારો માટે ગેરકાયદેસર ઇમિગ્રેશન એ ચિંતાનો વિષય છે અને શરણાર્થીઓને લઇને આવતી નાની નૌકાઓની સંખ્યા ઘટાડવા અંગે તો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે સુનકે કહ્યું હતું કે ‘’તે સિસ્ટમમાંના વિશ્વાસને નબળો પાડે છે. ઇમિગ્રેશન બ્રિટન માટે સારું રહ્યું છે. જે તે ન હોત તો હું અહીં ન હોત. પરંતુ સ્થળાંતર કાયદેસર અને વાજબી હોવું જોઈએ.’’

યુગાન્ડના એશિયનોના દેશ નિકાલનું 50મું વર્ષ ચાલે છે ત્યારે તેમના યુકેના યોગદાન વિષે સુનકે જણાવ્યું હતું કે ‘’દેખીતી રીતે, તે અદ્ભુત હતું. અમારી પાસે એવા લોકો છે જેઓ અત્યારે કેબિનેટમાં સેવા આપી રહ્યા છે. આપણા દેશમાં વિવિધ માઇગ્રન્ટ સમુદાયોનું યોગદાન ખૂબ જ શક્તિશાળી રહ્યું છે. અહીં આવતા લોકો આપણા સમુદાયોમાં એકીકૃત થઈ રહ્યા હોય ત્યારે તે શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. હું બ્રિટિશ અને એશિયન બંને હોઈ શકું છું. મારા માટે આ બંને ઓળખ હોવી સંપૂર્ણપણે આરામદાયક છે, પરંતુ અહીં આવનાર દરેક વ્યક્તિ ચાહે તેઓ ગમે તે પૃષ્ઠભૂમિમાંથી આવતા હોય, આપણી જીવનશૈલી, આપણા સમાજ, મૂલ્યો, આપણી સંસ્કૃતિમાં એકીકૃત થાય તે અત્યંત અગત્યનું છે.”

સુનકે કહ્યું હતું કે ‘’જો હું જીતીશ તો, બ્રિટન ભારત સાથે ગાઢ સંબંધ શોધશે, જે “સંતુલિત” હશે અને બંને પક્ષોને મજબૂત સંબંધોના લાભોનો આનંદ માણવા સક્ષમ બનાવશે. હું ખાતરી કરવા માંગુ છું કે લાભો બંને રીતે વહે. આપણે ભારત પાસેથી એટલું જ શીખી શકીએ છીએ જેટલું ભારત આપણી પાસેથી શીખી શકે છે. ભારત યુકેનો ખૂબ જ નજીકનો સાથી અને ભાગીદાર દેશ છે અને દેખીતી રીતે જ હું તેને ચાલુ રાખવાનો પ્રયાસ કરીશ.”

5 સપ્ટેમ્બરે ટોરી લીડરશીપ રેસમાં જે પણ નેતા જીતશે તેમણે અર્થતંત્ર અને બિઝનેસીસ તેમજ સામાન્ય પરિવારોને મદદ કરવા અંગેના કઠિન નિર્ણયોનો સામનો કરવો પડશે.

સુનકે જણાવ્યું હતું કે ચાન્સેલર તરીકે તેમણે રિટેલ, હોસ્પિટાલિટી અને લેઝર બિઝનેસ માટે બિઝનેસના દરોમાં 50 ટકાનો ઘટાડો કર્યો હતો. તે ખૂબ જ નોંધપાત્ર ટેક્સ કટ છે. અમે નાના બિઝનેસીસના નેશનલ ઇન્સ્યોરંશ બિલમાં £1,000નો ઘટાડો કર્યો છે. પરંતુ, હું જાણું છું કે આ આગળ જતા પડકારરૂપ છે; અલબત્ત, હું તેને વડાપ્રધાન તરીકે જોઈશ. લોકો રોગચાળા દરમિયાન મારા પગલાં જોઈ શકે છે. પડકારજનક સમયગાળામાં બિઝનેસીસને ટેકો આપવા માટે હું ઝડપથી અને તદ્દન વ્યાપક રીતે આગળ વધ્યો હતો. અમે બિઝનેસીસને નિષ્ફળ જતા કે બેરોજગારી રોકવામાં સફળ રહ્યા હતા. જેથી લોકો મારા પર વિશ્વાસ કરી શકે છે અને મને ખબર છે કે જ્યારે સમય માંગે ત્યારે મારે શું કરવું.’’

હાલમાં સુનકનું ધ્યાન વધતા જતા ફુગાવા અને ઉર્જા ખર્ચને ધ્યાનમાં રાખીને અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં, NHSમાં સુધારો કરવા અને બ્રિટિશ વિદ્યાર્થીઓને અન્ય વિકસિત દેશોના વિદ્યાર્થીઓની સમકક્ષ રાખવા માટે શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરવા પર કેન્દ્રિત છે.

તેમની ટાઉનહોલ શૈલીની મીટિંગ્સમાં 600 કરતાં વધુ પ્રેક્ષકો અને પાર્ટીના ડઝનેક સભ્યો સાથે વધુ ઘનિષ્ઠ મિલનોનો સમાવેશ થાય છે.

ગયા શુક્રવારે બેકનહામમાં સુનકે અર્થતંત્ર, સિવિલ સર્વિસ, વિદેશ નીતિ, નોકરીઓ અને ગેરકાયદેસર ઇમિગ્રેશન વિશેના પ્રશ્નોનો સામનો કર્યો હતો. ગયા બુધવારે (તા. 24) તેમની ઝુંબેશમાં એક સ્ટોપ સાઉધમ્પ્ટનમાં બેસેટ ફાર્મસીમાં રખાયું હતું, જે એક સમયે તેમના પરિવાર દ્વારા ચલાવાતી હતી. સુનક તે સમયે તેમની માતાને પ્રિસ્ક્રિપ્શન્સની દવાઓ વહેંચવામાં અને હિસાબ કરવામાં મદદ કરતા હતા. રોગચાળા દરમિયાન આરોગ્ય ક્ષેત્રે મુખ્ય ભૂમિકા ભજવતા ફાર્માસિસ્ટોએ ભંડોળના દબાણનો સામનો કરતા હોવાથી વધુ મદદ માંગી છે.

રોગચાળા દરમિયાન ચાન્સેલર તરીકે સુનક ઉચ્ચ વ્યક્તિગત રેટિંગ્સ ધરાવતા હતા. પરંતુ આ વર્ષની શરૂઆતમાં તેમની પત્ની અક્ષતા મૂર્તિના ટેક્સ સ્ટેટસ અને તેમની વિશાળ વ્યક્તિગત સંપત્તિ વિશેના ઘટસ્ફોટથી તેમની લોકપ્રિયતાને ફટકો પડ્યો છે. જુલાઇમાં ચાન્સેલર તરીકે સુનકે અચાનક રાજીનામું આપતાં કેટલાક ટોરી મતદારોએ તેને વડા પ્રધાન બોરિસ જૉન્સન તરફના વિશ્વાસઘાત તરીકે જોયું.

લાખો પરિવારો જીવન ખર્ચની કટોકટીનો સામનો કરી રહ્યા છે અને એનર્જીના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સુનકને વિશ્વાસ હતો કે તેમની વ્યક્તિગત સંપત્તિ મતદારો માટે કોઈ સમસ્યા નથી.

સુનકનો જન્મ મે 1980માં સાઉધમ્પ્ટનમાં બ્રિટિશ પંજાબી માતાપિતાને ત્યાં થયો હતો. તેમના પિતા યશવીર જીપી હતા, જ્યારે તેમની માતા ઉષા ફાર્મસી ચલાવતા હતા. સુનક ઓક્સફર્ડમાંથી સ્નાતક થયા છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA મેળવ્યું હતું. તેઓ વિન્ચેસ્ટર સ્કૂલમાં ભણ્યાં હતા. તેમનું બાળપણ વિશેષાધિકૃત હતું, પરંતુ તે સમયના  મોટાભાગના ઇમિગ્રન્ટ્સની જેમ, સુનકે પણ કહ્યું હતું કે તેમને પણ વંશીય પૂર્વગ્રહનો સામનો કરવો પડ્યો હતો.

LEAVE A REPLY

5 × four =