ભારતમાં કોરોનાના કેસીઝમાં ખૂબ જ વધારો નોંધાઇ રહ્યો છે. અનેક રાજકીય નેતાઓ, બોલીવૂડ સેલીબ્રિટી અને ક્રિકેટરો સહિત અનેક ક્ષેત્રના અગ્રણીઓ કોરોનાગ્રસ્ત થયા છે. આ યાદીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતનું નામ પણ જોડાયું છે. મોહન ભાગવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આરએસએસ દ્વારા ટ્વીટર પર આ અંગે જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે, ડો. મોહન ભાગવતનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાના સામાન્ય લક્ષણો છે. તેમને સાવધાની રાખવા નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ટ્વીટ કરીને સંઘ પ્રમુખ ડોક્ટર ભાગવત ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી.