પ્રતિકાત્મક તસવીર

અમેરિકાના ડોલર સામે રૂપિયા તૂટીને 80ની સપાટીએ સ્પર્શ કરવાની તૈયારીમાં છે ત્યારે કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે આકરા પ્રહારો ચાલુ કર્યા છે. કોંગ્રેસે મોદીને રૂપિયા માટે હાનિકારક ગણાવ્યા હતા અને મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે કરેલા ઉચ્ચારણોને યાદ અપાવ્યા હતા.

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભારતીય રૂપિયાના મુક્ત પતનથી દરેક ભારતીયને અસર થઈ રહી છે ત્યારે સરકાર દિશાહીન અને મૌન છે. યુપીએ સરકાર વખતે રૂપિયામાં ઘટાડો થયો ત્યારે તે સમયે મોદીએ જણાવ્યું હતું કે પીએમની શાખ ઘટતા રૂપિયા સાથે જોડાયેલી છે અને રૂપિયો ઘટે છે તેમ વડાપ્રધાનની વિશ્વસનીયતા અને સન્માનનું ધોવાણ થાય છે.

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રીયા શ્રીનેટે સવાલ કર્યો હતો કે ભારતનો રૂપિયો નવા તળિયા દર્શાવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન તેમના પોતાના નિવેદનો યાદ કેમ કરતાં નથી. હંમેશની જેમ સરકાર સરકાર દિશાહીન છે. મોદી રૂપિયા માટે ઝેરી અને હાનિકારક છે. સરકાર ઊંચા ફુગાવાને અંકુશમાં લેવા જે કરી રહી છે તે એક દુષ્ચક્ર છે.

તેમણે જણાવ્યું હતું કે 2014 પહેલા મોદીએ મિથ્યા દાવો કર્યો હતો કે રૂપિયાની મજબૂતાઈ માટે  મજબૂત પીએમની જરૂર છે અને હવે તેઓ ચલણ માટે સૌથી વધુ ઝેરી અને હાનિકારક પુરવાર થયા છે. કથિત મજબૂત પીએમએ રૂપિયાને ઇતિહાસમાં સૌથી નબળો બનાવ્યો છે. છેલ્લાં છ મહિનામાં રૂપિયામાં સાત ટકાથી વધુ ધોવાણ થયું છે. હવે વડાપ્રધાન કોરોના, રશિયા અને યુક્રેન યુદ્ધ પાછળ ક્યાં સુધી સંતાયેલા રહેશે.