વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબર ડેરીના મેગા મિલ્ક પાવડર પ્લાન્ટ અને બીજા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. (ANI Photo/PIB)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબર ડેરીના મેગા મિલ્ક પાવડર પ્લાન્ટ અને બીજા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. આશરે રૂ.305 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા મિલ્ક પાવડર પ્લાન્ટની ક્ષમતા દૈનિક 120 મેટ્રીક ટનની છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા.

વડાપ્રધાન મોદીએ સાબર ડેરીના મિલ્ક પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્લાન્ટની ક્ષમતા દૈનિક ત્રણ લાખ લીટર દૂધ પ્રોસેસ કરવાની છે. વડાપ્રધાન સાબર ડેરીના ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્લાન્ટ રૂ.600 કરોડના ખર્ચે તૈયાર થયો છે. સાબર ડેરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો હિસ્સો છે. તે અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી અને મિલ્ક પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે.

વડાપ્રધાન પશુપાલક મહિલાઓ સાથે પણ વાતચીત કરી હતી અને સભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે નવા પ્લાન્ટ્સથી સાબર ડેરીના સામર્થ્યને વધારવામાં મદદ કરશે. હું સાબર ડેરી અને આ આંદોલન સાથે જોડાયેલા તમામને અભિનંદન આપું છું. સાબર ડેરીની વાત આવે અને ભૂરાભાઈની યાદ ન આવે તો વાત અધૂરી રહી જાય. ભૂરાભાઈ પટેલે દાયકા પહેલા પ્રયાસ શરૂ કર્યો હતો, તે આજે લાખો લોકોનું જીવન બદલવામાં મદદ કરી રહ્યો છે. ગુજરાતમાં ડેરી ઉદ્યોગ એક લાખ કરોડે પહોંચ્યો છે. આજે મહિલાઓ દુધ-મંડળીઓ ચલાવી રહી છે, મધનું ઉત્પાદન બમણું થયું છે. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટેના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે 3 કરોડથી વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે.

15 નવેમ્બર ભગવાન બીરસા મુંડાના જન્મદિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર દેશભરમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં એક વિશેષ સંગ્રહાલય પણ બનાવી રહી છે. આદિવાસી સમાજમાંથી આવનારી દેશની દીકરી પ્રથમ વખત ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચી છે. દેશે દ્રૌપદી મૂર્મુને પોતાના રાષ્ટ્રપતિ બનાવ્યા છે. 130 કરોડથી વધુ ભારતીયો માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે.