Getty Images)

કોંગ્રેસ પાર્ટીએ સચિન પાયલટની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પાયલટની રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પદેથી અને રાજસ્થાનના પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ વાતની જાહેરાત કરી છે.

સચિન પાયલટની સાથે સાથે રમેશ મીણા અને વિશ્વેન્દ્ર સિંહની પણ મંત્રી પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. રણદીપ સુરજેવાલાએ આની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સચિન પાયલટની જગ્યાએ હવે રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ રાજસ્થાન કોંગ્રેસ કમિટીના અધ્યક્ષનું કાર્યભાર સંભાળશે.

મીડિયાની સાથે વાતચીત કરતા સુરજેવાલાએ જણાવ્યું કે, છેલ્લા 72 કલાકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ સચિન પાયલટ, સાથી મંત્રીઓથી અને ધારાસભ્યની સાથે સંપર્ક બનાવવાના પ્રયાસ કર્યા. તેમણે સચિન પાયલટની સાથે અડધા ડઝન વખત વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે જ રાજકીય તાકાત નાની ઉંમરમાં પાયલટને આપી તે કદાચ જ કોઈ અન્ય વ્યક્તિને મળી હશે. 2004માં તેઓ રાજકારણમાં આવ્યા અને 2004માં તેમને માત્ર 26 વર્ષની ઉંમરે સાંસદ બનાવી દીધા. માત્ર 32 વર્ષની ઉંમરે કેન્દ્રીય મત્રી અને 34 વર્ષની ઉંમરે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 40 વર્ષની ઉંમરે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેમની ઉપર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સ્નેહ હતો જેને કારણે આ બધું થઈ શકયું.