પ્રસ્તુત તસવીરમાં ડાબેથી ભાવિષાબેન ટેલર, પ. પૂ. સાધ્વીજી, પ. પૂ. સાહેબ દાદા, શ્રી વિનોદભાઇ નકારજા, પૂ. હિંમત સ્વામી, ગરવી ગુજરાતના એક્ઝીક્યુટીવ એડિટર શ્રી શૈલેષભાઇ સોલંકી અને શ્રી સતીષભાઇ ચતવાણી

ઉત્તર ભારતના ઋષિકેશના વિશ્વ વિખ્યાત પરમાર્થ નિકેતન ખાતે વોકેશનલ ટ્રેઇનીંગ કોર્સ અને નિ:શુલ્ક શાળાઓ ચલાવતી સંસ્થા ડિવાઇન શક્તિ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ.પૂ. સાધ્વી ભગવતી સરસ્વતિજીએ તા. 23 ઓગસ્ટના રોજ વેસ્ટ લંડનના ડેન્હાન સ્થિત અનુપમ મિશનની મુલાકાત લઇ સંસ્થાના આધ્યાત્મિક વડા પ. પૂ. શ્રી જશભાઇ સાહેબ, સંસ્થાના અન્ય સંતો અને અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સંસ્થા દ્વારા નિર્મીત યુકેના પ્રથમ પર્પઝબિલ્ટ ક્રિમેટોરિયન અંગે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

અમુપમ મિશનના શ્રીમતી ભાવિષાબેન ટેલરે પ.પૂ. સાધ્વી ભગવતી સરસ્વતિજીનું સ્વાગત કરી તેમનો પરિચય આપી તેમના પ્રવૃત્તિ અને તેમણે તાજેતરમાં જ લખેલ પુસ્તક ‘હોલિવુડ ટૂ ધ હિમાલયાઝ’ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે શ્રીમતી રાજેશ્રીબેને સાધ્વીજીનું ફૂલ આપી સ્વાગત કર્યું હતું.

પ.પૂ. સાધ્વી ભગવતી સરસ્વતિજીએ જણાવ્યું હતું કે ‘’મારા ગુરૂ પ. પૂ. સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતિજીને અચાનક જ ભારતમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, જેઓ વિશાળ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરનાર છે તે પ્રસંગ માટે ભારત જવાનું હોવાથી તેઓ આજે અહિં આવી શક્યા નથી. પરંતુ તેમના આશિર્વાદ, શુભેચ્છાઓ આપના દ્વારા તૈયાર થઇ રહેલા ખૂબ જ સુંદર પ્રોજેક્ટ માટે છે. તેમને અહિં ખાસ આવવું હતું અને આપને મળવું હતું. પરંતુ તેઓ આવી શક્યા ન હતા. શૈલેષભાઇ સોલંકીએ હમણાં જ મને યાદ કરાવ્યું હતું કે પૂ. સ્વામીજી દાયકાઓ પહેલા તેમના પિતા રમણિકભાઇ સોલંકી સાથે આવા ભવ્ય ક્રિમેટોરિયમની જરૂરીયાત વિષે વાત કરતા હતા. આપણી પવિત્ર રૂઢીઓને, પવિત્ર સંસ્કારોને આપણે ગંભીરતાથી લઇએ છીએ. આપણે બધા સંસ્કારોની સાથે અતિમ સંસ્કારને પણ એટલું જ મહત્વ આપીએ છીએ.’’

પૂ. સાધ્વીજીએ જણાવ્યું હતું કે ‘’પ. પૂ. યોગીજી મહારાજ અને પ. પૂ. સાહેબજી મહારાજના અશિર્વાદના કારણે આપણને આ ક્રિમેટોરીયમનો લાભ મળનાર છે. તે ખૂબ જ અદભૂત છે. આ જ ભક્તિ કી શક્તિ છે, આ આદ્યાત્મની ઉંડી શક્તિ છે. આજે આપણી પાસે મંદિરે આવવાનો ક્યાં સમય છે. કામ પર જવું, શાળાએ જવું શોપીંગ કરવા જવું વગેરે. પરંતુ આ મંદિરમાં ભક્તિમાં તમને જે જોઇએ તે બધુ જ મળે છે. આપણે ખુશી અને શાંતિ શોધીએ છીએ, જે આપણને મળે છે. આપણને પાવર, લક્ષ્મી, ધન મળે છે ત્યારે આપણે ખુશ થઇએ છે. પરંતુ જ્યારે આપણે આપણું આધ્યાત્મનિક જોડાણ ગુમાવીએ છીએ ત્યારે તે પણ ગુમાવીએ છીએ.’’

પૂજ્ય સાધ્વીજીએ ભક્તિ યોગ, કર્મ યોગ અને જ્ઞાન યોગ વિષે તથા પ. પૂ. સાહેબજી મહારાજ અને પ. પૂ. યોગીજી મહારાજની ભક્તિ વિષે વાત કરી પરમાર્થ નિકેતન ખાતે પ. પૂ. મુનિજી મહારાજના આશિર્વાદ સાથે સેવા અંગે માહિતી આપી હતી. તેમણે કરૂણા સાથે ભગવાને આપેલી શક્તિ વડે સેવા કરવા અનુરોધ કર્યો હતો. આ માનવ અવતાર સૌથી મોટુ વરદાન છે. આપણને સૌથી મોટા આશિર્વાદ મળ્યા છે કે આપણને માનવ જન્મ મળ્યો છે. જે લોકો ગરીબ છે, બીમાર છે, અશિક્ષિત છે, જેઓ મીટિંગમાં છે તે તેમનું કર્મ પેકેજ હોઈ શકે છે. આ ક્ષણમાં, તેઓ એવા વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે કે જેની પાસે કર્મનું પેકેજ નથી, જ્યારે અમે તેવા વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છીએ જેમની પાસે તે કર્મનો ભાગ છે.’’

તેમણે જણાવ્યું કે ‘અહીં યુકેમાં તમારી પાસે દર 12 વર્ષની જેમ કુંભની જેમ નહિં પણ રોજે રોજે ધર્મમાં ડૂબકી મારવાની સુંદર તક છે. તમે ખૂબ જ ભાગ્યશાળી છો. પૂ. સાહેબજી હંમેશા ભારપૂર્વક કહે છે કે ભગવા કપડા પહેરવા એ તમામ બાબતોનો જવાબ નથી, ભગવા હ્રદયના હોવું જરૂરી છે. ભગવો એ કેસરિયો રંગ, સૂર્યનો રંગ છે. જેમ સૂર્ય બધાને તડકો આપે છે તેમ ભગવા રંગે રંગાયેલા સાધુ ભેદભાવ વિના સૌને બધું જ આપે છે. અહિં સાદા કપડા પહેરેલા બધા સંતો ભગવા સાધુ જેવી જ સાધુતા આપે છે. આજે પૂ. સાહેબજી મહારાજ, અને આપ સૌની સાથે અહીં ઉપસ્થિત રહેવું એ એક અદ્ભુત આશીર્વાદ અને અદ્ભુત સન્માન છે. હું પૂજ્ય મુનીજી વતી તમને બધાને ઋષિકેશ આશ્રમમાં આવકારવા માટે તત્પર છું. જ્યારે પણ તમે ભારત આવો ત્યારે, ઋષિકેશ સ્થિત પરમાર્થ નિકેતન આશ્રમમાં આવો, ગંગા માતાના કિનારે આવો, અમારા દ્વાર હંમેશા ખુલ્લાં છે, હંમેશા માનજો કે હિમાલય તમારું ઘર છે.’’

LEAVE A REPLY

1 × one =