અલ કાયદાના ત્રાસવાદીઓ ઓસામા બિન લાદેન અને અલ ઝવાહીરી. આ બંનેને અમેરિકાએ મોતને ઘાટ ઉતાર્યા છે. Hamid Mir/Editor/Ausaf Newspaper for Daily Dawn/Handout via REUTERS/File Photo

અલ કાયદાના વડા અલ ઝવાહિરીને શનિવારે કાબુલમાં અમેરિકાએ ડ્રોન હુમલામાં મોતને ઘાટ ઉતાર્યો હતો. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઝવાહિરી વર્ષોથી છુપાતો ફરતો હતો અને તેને શોધીને મોતને ઘાટ ઉતારવાનું ઓપરેશન કાળજીપૂર્વકની ધીરજનું પરિણામ છે.

અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાની સરકારને એક નેટવર્કની માહિતી આપી હતી, જે ઝવાહિરીને સપોર્ટ કરતું હતું. અફઘાનિસ્તાનમાંથી આર્મીને પરત બોલાવી લેવામાં આવ્યા બાદ અલ કાયદાની હાજરી વધી હતી. અમેરિકાએ ઓસામા બિન લાદેનની સ્ટાઈલમાં જ ઝવાહિરીને અફઘાનિસ્તાની રાજધાની કાબુલમાં બનેલા સુરક્ષિત ઠેકાણા પર ડ્રોન મિસાઈલથી હુમલો કરીને ઠાર કર્યો હતો. જવાહિરીએ પહેલા પાકિસ્તાનમાં છૂપાયેલો હતો, પરંતુ તાલિબાન સરકાર આવ્યા બાદ તે કાબુલ પહોંચ્યો હતો. કહેવાય છે કે તાલિબાની ગૃહપ્રધાન અને કુખ્યાત આતંકી સિરાજુદ્દીન હક્કાનીએ પોતાના એકદમ સુરક્ષિત ગણાતા ઠેકાણા પર ઝવાહિરીને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે ઝવાહિરીને વારંવાર પોતાના ઘરની બાલ્કનીમાં આવવાની આદત હતી જે તેને ભારે પડી ગઈ છે.

આ આદતના કારણે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સી CIAના અધિકારીઓએ ઝવાહિરીને કાબુલમાં છુપાયેલો હોવાની માહિતી મળી હતી અને તેને રિપર ડ્રોનથી હેલફાયર મિસાઈલ છોડીને તેનું કામ તમામ કરી નાખ્યું છે. આ મોટી સફળતા બાદ અમેરિકાના પ્રેસિડન્ટે કહ્યું કે અમે અમારા દુશ્મનોને એ બતાવવા ઈચ્છીએ છીએ કે તેઓ ક્યાંય પણ છૂપાયેલા હશે અમે તેમને ઠાર કરીશું. ઝવાહિરી 71 વર્ષનો થઈ ગયો હતો અને તે લાદેનના મોત બાદ 11 વર્ષથી પોતાના વીડિયો જાહેર કરીને દુનિયાને ધમકી આપતો હતો.

બાઈડનના આદેશ પર અમેરિકાએ ગયા શુક્રવારે નિશાના પર જ હુમલો કર્યો હતો જેમાં તેને ઠાર કર્યો હતો. અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે આ હુમલામાં ઝવાહિરીના પરિવારને કોઈ નુકસાન થયું નથી. અમેરિકાએ આ હુમલા અંગે તાલિબાનને કોઈ જાણકારી નહોતી આપી. આ હુમલાના કારણે તાલિબાનની સરકાર ભડકી છે અને તેણે અમેરિકાને ચેતવણી આપી છે. તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહે કહ્યું કે 31 જુલાઈએ કાબુલ શહેરના શેરપુર વિસ્તારમાં એક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા અંગે કોઈ માહિતી નહોતી મળી, પરંતુ ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા હુમલાની તપાસ કરાઈ છે. શરુઆતની તપાસમાં માલુમ પડ્યું છે કે અમેરિકાએ ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો.