(Photo by DIBYANGSHU SARKAR/AFP via Getty Images)

સહારા ગ્રૂપના સ્થાપક અને ચેરમેન સુબ્રત રોયનું બુધવાર, 15 નવેમ્બરે મુંબઈની એક હોસ્પિટલમાં લાંબી બીમારી પછી અવસાન થયું હતું, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેઓ 75 વર્ષના હતાં. સુબ્રત રોયના પરિવારમાં પત્ની સ્વપ્ના રોય અને બે પુત્રો, સુશાંતો રોય અને સીમંતો રોય છે, જેઓ વિદેશમાં રહે છે.

1948માં બિહારના અરરિયામાં જન્મેલા સુબ્રત રોયની સફળતાની કહાની 1978માં સહાર પરિવાર સાથે ચાલુ થઈ હતી અને પછી એક વિશાળ ગ્રૂપનું પતન થયું હતું. માત્ર ₹2,000ની મૂડીથી શરૂ કરીને કંપનીએ ઉદ્યોગસાહસિકતામાં લાંબો રસ્તો પસાર કર્યો છે. તેમનું ગ્રુપ સફળતાના શિખરો સર કરતું હતું અને દેશના 12 લાખ જેટલા લોકોને રોજગારી આપી હતી. તેઓ પોતાને મેનેજિંગ વર્કર તરીકે ઓળખવાનું પસંદ કરતા હતાં.

સુબ્રત રોયનો બિઝનેસ ફાઈનાન્સ, રિયલ એસ્ટેટ, એવિએશન, મીડિયા, હેલ્થ અને હોસ્પિટાલિટી સહિતના વિવિધ સેક્ટરમાં ફેલાયેલો હતો. જોકે સુબ્રત રોયની જિંદગીના છેલ્લા વર્ષો કાયદાકીય લડતમાં ગયા હતા. માર્ચ 2014માં મૂડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સાથે સંકળાયેલા કેસમાં તેઓ કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી કોર્ટે તેમની અટકાયતનો આદેશ આપ્યો હતો. તેઓ લગભગ બે વર્ષથી વધુ સમય તિહાડ જેલમાં રહ્યા હતા અને મે 2016માં પેરોલ પર છૂટ્યા હતાં.

સુબ્રત રોયે પોતાના એક મિત્ર સાથે મળીને ચિટ ફંડ કંપની શરૂ કરી હતી. જે થોડા જ સમયમાં આખા દેશમાં લોકપ્રિય બની હતી. મધ્યમ વર્ગથી માંડીને નીચલા વર્ગના લોકો સહારામાં વિશ્વાસ વ્યક્ત કરીને રૂપિયા રોક્યા હતા. જોકે પછીથી રોકાણકારોના નાણા ફસાયા હતા અને લાંબો કાનૂની વિવાદ ઊભો થયો હતો.

સહારા પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સહારા પરિવાર અત્યંત દુઃખ સાથે જણાવે છે કે, સહારા ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ વર્કર તેમજ અમારા માનનીય ‘સહારાશ્રી’ સુબ્રત રોયનું અવસાન થયું છે. ફેફસા અને હૃદયની તકલીફો ઉપરાંત હાયપર ટેન્શન, ડાયાબિટીસ વગેરે સામેની લાંબી જંગ બાદ તેમનું અવસાન થયું છે. સહારાશ્રી સાથે કામ કરનારા દરેક વ્યક્તિ માટે તેઓ પ્રેરણાનો સ્ત્રોત હતા.”

LEAVE A REPLY

11 + one =