ખાવામાં વાપરવામાં આવતા નમક એટલે કે મીઠાના બદલે તેના જેવો જ સ્વાદ ધરાવતો વિકલ્પ વાપરવાથી યુકેમાં વસતા લોકોને દર વર્ષે આવતા હજારો સ્ટ્રોક અને હાર્ટ એટેકને અટકાવી શકાય છે એમ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક સીમાચિહ્ન સમાન અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.

ઓછું સોડિયમ ધરાવતું અને પોટેશિયમ ઉમેરવામાં આવેલું હોય તેવા મીઠાના વિકલ્પ પહેલેથી જ આપણાં સુપરમાર્કેટમાં ઉપલબ્ધ છે, અને તેનો સ્વાદ સામાન્ય મીઠા જેવો જ હોય છે. તેનાથી બ્લડ પ્રેશર પણ નીચુ રહે છે. આ મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરનો ઇતિહાસ ધરાવતા પુખ્ત વયના લોકોમાં સ્ટ્રોકનું જોખમ 14 ટકા જેટલું ઘટ્યું હતું.

સ્ટ્રોકને કારણે યુકેમાં દર વર્ષે લગભગ 34,000 લોકો મૃત્યુ પામે છે અને ગંભીર લકવો થવા પાછળનું સૌથી મોટું કારણ સ્ટ્રોક છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર દર વર્ષે 100,000થી વધુ એટલે કે દર પાંચ મિનિટે એક વ્યક્તિ હોસ્પિટલમાં હાર્ટ એટેકને કારણે દાખલ થાય છે.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં જ્યોર્જ ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થના પ્રોફેસર બ્રુસ નીલે આ અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું. ચીનના 600 ગામોમાંથી સ્ટ્રોકનો ભોગ બનેલા 21,000 લોકો અથવા 60થી વધુ વયના હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને મીઠાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેમાં 70 ટકા સોડિયમ ક્લોરાઇડ અને 30 ટકા પોટેશિયમ ક્લોરાઇડ હતું. અન્ય ગામોના લોકોએ સામાન્ય ટેબલ સોલ્ટ વાપરવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં સો ટકા સોડિયમ ક્લોરાઇડ હતું. તે લોકોને સરેરાશ લગભગ પાંચ વર્ષ સુધી ટ્રેક કરવામાં આવ્યા હતા અને 3,000થી વધુ લોકોને સ્ટ્રોક આવ્યો હતો.

જ્યારે મીઠાના વિકલ્પનો ઉપયોગ કરનારા લોકોમાં સ્ટ્રોકનું જોખમ 14 ટકા અને હૃદયરોગના હુમલાઓ સહિત કુલ કાર્ડિયોવાસ્ક્યુલર બનાવમાં 13 ટકાનો ઘટાડો થયો હતો. તથા કોઈપણ કારણથી મૃત્યુનું જોખમ 12 ટકા ઘટ્યું હતું. તે લોકોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર, સરેરાશ, લગભગ 3.3 મીમી ઘટી ગયું હતુ. તેનાથી વધારાના પોટેશિયમ સાથે જોડાયેલી તબીબી સમસ્યા હાયપરક્લેમિયાના વધતા જોખમની તકલીફ પણ થઇ ન હતી. બ્રિટિશ લોકો વધુ પ્રોસેસ્ડ ફૂડ ખાય છે જ્યારે આપણે ભારતીયો જમવામાં મોટે ભાગે વધારે મીઠું ઉમેરતા હોઇએ છીએ. આવા તબક્કે ઓછું સોડીયમ ધરાવતું મીઠું મદદરૂપ થાય છે.

મીઠાના વિકલ્પમાં ઉમેરાયેલા પોટેશિયમથી નુકસાનના કોઈ સંકેત જણાયા નથી. પરંતુ  કિડનીના ગંભીર રોગવાળા દર્દીઓએ મીઠું કે મીઠાના વિકલ્પનો ઉપયોગ ન કરવો જોઇએ. મીઠાના વિકલ્પોમાં પોટેશિયમ હોવાથી નબળુ આરોગ્ય ધરાવા લોકોએ પોતાના જીપી સાથે ચર્ચા કરવી શ્રેષ્ઠ છે.

સરેરાશ બ્રિટીશ પુખ્ત વયના લોકો દરરોજ લગભગ 8 ગ્રામ મીઠું લેતા હોય છે. લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના સંશોધનોનો અંદાજ છે કે જો આપણે મીઠાનું સેવન દિવસનું 6 ગ્રામ સુધી ઘટાડીએ તો યુકે દર વર્ષે 17,000 અકાળે થતા મૃત્યુ રોકાશે.

આ અભ્યાસમાં ભાગ લેનારા ચીની લોકો માટે, તેઓએ તેમના ખોરાકમાં જે મીઠું ઉમેર્યું હતું તે તેમના સોડિયમના સેવનમાં 66 ટકા જેટલું હતું. તેનાથી વિપરીત, બ્રિટિશરો એવા ખોરાક ખાવાનું વલણ ધરાવે છે જેમાં પહેલેથી જ ઘણું સોડિયમ ઉમેરવામાં આવલુ હોય છે. એનએચએસનો અંદાજ છે કે આપણા સોડિયમનો 10 ટકા હિસ્સો મીઠામાંથી આવે છે જે આપણે ખોરાકમાં ઉમેરીએ છીએ, લગભગ 15 ટકા સોડિયમમાં કુદરતી રીતે ખોરાકમાં હોય છે અને 75 ટકા પ્રોસેસ્ડ ફૂડમાંથી આવે છે. જો કે છેલ્લા દાયકામાં યુકેમાં મીઠાનું સેવન લગભગ 15 ટકા ઘટી ગયું છે.