અમેરિકામાં ઇડા વાવાઝોડાને કારણે ન્યૂ યોર્કમાં મૂશળધાર વરસાદ, ફ્લેશ ફ્લડ અને તોફાન આવતા કારો પણ પાણીમાં તરવા લાગી હતી. REUTERS/Mike Segar

અમેરિકામાં ઇડા વાવાઝોડાને પગલે ગુરુવારે ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સી મુશળધાર વરસાદને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા. ફ્લેશ ફ્લડને કારણે કારો તણાઈ ગઈ હતી અને સબવે લાઇન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તથા ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.

સર્વત્ર જળબંબાકાર અને ફ્લેશ ફ્લડને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. ન્યૂ યોર્ક અને પડોશી રાજ્ય ન્યૂ જર્સીમાં ઇમર્જન્સીની જાહેરાત કરવામાં આવી હતી.ઇડા વાવાઝોડુ સપ્તાહના અંત ભાગમાં દક્ષિણી રાજ્ય લુઇઝિયાનામાં ત્રાટક્યું હતું અને તેનાથી વિનાશક પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી અને ભારે વિનાશ વેરાયો હતો.

ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોશુલે વાવાઝોડાને કારણે દેશની આર્થિક અને સાંસ્કૃતિક રાજધાનીમાં ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. આ તોફાનથી બ્રુકલિન અને ક્વીન્સમાં પણ મોટું નુકસાન થયું હતું.સ્ટેટ ગવર્નર ફિલ મફ્રીએ પડોશી ન્યૂ જર્સીમાં પણ ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. સીએનએનના અહેવાલ મુજબ પેસૈક શહેરમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તેનાથી આ તોફાનમાં સત્તાવાર મૃત્યુઆંક વધી 15 થયો હતો.

ન્યૂ યોર્ક સિટીના મેયર બિલ ડી બ્લેસીઓએ શહેરમાં ઇમર્જન્સીની જાહેરાત કરતા ટ્વીટ પર જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં વિક્રમજનક વરસાદ સાથે આપણે આજે રાત્રે ઐતિહાસિક કુદરતી તોફાનનો સામનો કરી રહ્યાં છીએ. આપણા રસ્તા જળબંબાકાર થયા છે અને ગંભીર સ્થિતિ ઊભી થઈ છે.

વરસાદી પાણી ચારેતરફ ફળી વળતાં લાગાર્ડિયા, જેએફકે એરપોર્ટ અને નેવાર્કમાં સેંકડો ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. મેનહટન, બ્રોન્ઝ અને ક્વીન્સના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, પેન્સિલવેનિયા, કનેક્ટિકટ સહિતના રાજ્યોમાં ૨૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. વાવાઝોડાંમાં બે વર્ષના બાળક સહિત આઠ લોકોનાં મોત થયા હતા. આશરે ૫૦૦ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. ન્યૂયોર્કમાં સૌથી વધુ વરસાદ પડયો હતો.

અમેરિકાના આઠથી દસ રાજ્યોમાં ઈડાના કારણે હાઈએલર્ટ જારી કરવામાં આવ્યો હતો. આ રાજ્યોમાં ૧૫૦ કિલોમીટર પ્રતિકલાકથી લઈને ૨૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.ઉત્તર-પૂર્વના શહેરોમાં આવનારી ૨૦૦ જેટલી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી. કેટલાય વિસ્તારોમાં સબ-વે ટ્રેન સર્વિસ પ્રભાવિત થઈ હતી. ૨૦ જેટલી સબ-વે ટ્રેન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ન્યૂયોર્કના રસ્તામાં અસંખ્ય મોટરકાર પાણીમાં ડૂબી ગઈ હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં શેર થયા હતા. સબ-વે સ્ટેશન્સમાં પાણી ભરાઈ જતાં મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ સર્વિસ બંધ કરવી પડી હતી. અમુક ટ્રેનને અધવચ્ચે અટકાવીને લોકોને રેસ્ક્યુ કરાયા હતા.