જાપાનમાં 140 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલાની વડાપ્રધાન પદ માટે પસંદગી કરવામાં આવી છે. દેશની સત્તારુઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ શનિવારે પોતાના નવા અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ આર્થિક સુરક્ષા પ્રધાન સેન તાકાઈચીનાને પસંદ કર્યા હતા. આ પદ માટે તાકાઈચીનાની સ્પર્ધા કૃષિ પ્રધાન શિંજિરો કોઈઝુમી સાથે હતી. સંસદમાં ટૂંક સમયમાં યોજાનારા મતદાનમાં LDP-કોમેઈતો ગઠબંધનને બહુમતી મળતાં તેમની નિમણૂક નિશ્ચિત માનવામાં આવી રહી છે.
પ્રથમ રાઉન્ડના મતદાનમાં તાકાઈચીનાને 183 અને કોઈઝુમીને 164 મત મળ્યા. પરંતુ કોઈને પણ સંપૂર્ણ બહુમતી ન મળતા તાત્કાલિક બીજો રાઉન્ડ યોજાયો હતો જેમાં તાકાઈચીના વિજેતા થયા હતા. તેમની જીતનો નિર્ણય એલડીપીના સાંસદો અને લગભગ દસ લાખ નોંધાયેલા સભ્યોના મતોના આધારે થયો હતો. એલડીપીના કુલ પાંચ ઉમેદવારો આ ચૂંટણીમાં મેદાનમાં હતા, જેમાં બે વર્તમાન પ્રધાનો અને ત્રણ ભૂતપૂર્વ પ્રધાનો સામેલ હતા. શરુઆતના રાઉન્ડમાં મુખ્ય દાવેદારોમાં તાકાઈચીના, કોઈઝુમી અને મુખ્ય કેબિનેટ સેક્રેટરી યોશિમાસા હાયાશીનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું હતું.
જુલાઈમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં પાર્ટીની ઐતિહાસિક હારની જવાબદારી સ્વીકારીને તત્કાલિન વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ સપ્ટેમ્બરમાં રાજીનામું આપ્યું હતું. ઈશિબાએ ઑક્ટોબર 2024માં પદ સંભાળ્યું હતું, પરંતુ ઉપલા અને નીચલા ગૃહોમાં ગઠબંધન દ્વારા બહુમતી ગુમાવ્યા પછી પાર્ટીમાં વધતા અસંતોષને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

LEAVE A REPLY