(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના પ્રધાનોને શિખામણ આપી હતી કે તેઓ સનાતન ધર્મ અંગેની વિપક્ષી નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીનું જોરદાર ખંડન કરે અને તેમના ખુલ્લા પાડે. જોકે તેમણે ઇન્ડિયા-ભારત મુદ્દે પ્રધાનોને રાજકીય વિવાદ ટાળવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે તે દેશનું પ્રાચીન નામ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સનાતન ધર્મ અને ઇન્ડિયા વર્સિસ ભારત ચર્ચા પરના વિવાદ પર બોલતી વખતે પ્રધાનોને ઇતિહાસમાં ન જવા અને તથ્યોને વળગી રહેવાની સૂચના આપી હતી.

મોદીએ જણાવ્યું હતું કે DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ‘સનાતન ધર્મ’ ટિપ્પણીનો યોગ્ય રીતે જવાબ આપવો જોઈએ.

કેબિનેટના પ્રધાનો સાથેની વાતચીતમાં મોદીએ આ મુદ્દાઓ પર શિખામણ આપી હતી. જી-20 સમીટ દરમિયાન પ્રધાનોએ શું કરવું અને શું ન કરવાની તેની સંપૂર્ણ માહિતી આપી હતી. પીએમએ જી-20ની મોટી કવાયત દરમિયાન પ્રધાનોને રાષ્ટ્રીય રાજધાનીમાં રહેવાની અને તેમને સોંપવામાં આવેલી ફરજ બજાવવાની સૂચના આપી હતી, જેથી મુલાકાતી મહાનુભાવોને કોઈ અસુવિધા ન થાય.

સનાતન ધર્મને નાબૂદ કરવો જોઇએ તેવી ડીએમકે નેતા ઉદયનિધિ મારનની ટીપ્પણી પછી ઊભા થયેલા રાજકીય વિવાદ અંગે બોલતા મોદીએ જણાવ્યું હતું કે આવા નિવેદનો પાછળના પક્ષો અને નેતાઓનો પર્દાફાશ કરવો જોઈએ અને સત્ય લોકો સમક્ષ લાવવું જોઈએ. એક સૂત્રે જણાવ્યું હતું કે વડાપ્રધાને સનાતન ધર્મની સહસ્ત્રાબ્દીની સહનશક્તિ વિશે સકારાત્મક વાત કરી હતી અને મંત્રીઓને વિપક્ષી નેતાઓની ટીપ્પણીઓને  સખત રીતે નકારી કાઢવા જણાવ્યું હતું.

સરકારના સત્તાવાર કમ્યુનિકેશન્સમાં પ્રેસિડન્ટ ઓફ ભારત અને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારતનો ઉલ્લેખ કરાયા પછી વિપક્ષો સરકાર પર બંધારણનું ઉલ્લંઘન કરવાના આક્ષેપો કરી રહ્યાં છે ત્યારે મોદીએ તેમના પ્રધાનોને આ વિવાદનમાં ન પડવાની તાકીદ કરી હતી.

સરકારી સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું છે કે ખુદ બંધારણમાં આપણા દેશનો ઉલ્લેખ ઇન્ડિયા અને ભારત તરીકે  છે અને વિપક્ષી દળોએ આ બાબતે બિનજરૂરી વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે મીટિંગમાં મોદીએ મંત્રીઓને G20 ઈન્ડિયા મોબાઈલ એપ ડાઉનલોડ કરવા અને વિદેશી મહાનુભાવો સાથે વાતચીત કરતી વખતે તેના અનુવાદ અને અન્ય સુવિધાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા જણાવ્યું હતું.

G20 મોબાઇલ એપ્લિકેશનમાં તમામ ભારતીય અને G20 દેશોની ભાષાઓને સમાવિષ્ટ કરતી ત્વરિત અનુવાદ સુવિધા છે.

9-10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી સમિટમાં આંતરરાષ્ટ્રીય સંગઠનો સહિત  વિશ્વના આશરે નેતાઓ હાજર રહેવાના છે ત્યારે વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ મંત્રીઓને પ્રોટોકોલ અને સંબંધિત બાબતો વિશે વિગતવાર માહિતી આપી.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments