ફોર્બ્સ ઈન્ડિયાની 2025ની ભારતના સૌથી ધનિકોની યાદી પ્રમાણે હરિયાણાના હિસારના ધારાસભ્ય અને ઓપી જિંદાલ ગ્રુપનાં ચેરપર્સન સાવિત્રી જિંદાલ દેશનાં સૌથી ધનિક મહિલા તરીકે સ્થાન પામ્યા છે. તેમની કુલ સંપત્તિ 39.6 બિલિયન ડોલર હોવાનું ફોર્બ્સ યાદીમાં જાહેર કરાયું છે. આ સાથે જ હવે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી સાવિત્રી જિંદાલ યાદીમાં ત્રીજા સ્થાને છે.
વિશ્વના ધનિકોની યાદીમાં સાવિત્રી જિંદાલ 48મા ક્રમે છે. અગાઉ એપ્રિલ 2025માં જાહેર ફોર્બ્સ બિલિયોનેર લિસ્ટ મુજબ સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 33.5 બિલિયન ડોલર હતી. છ મહિનાના સમયગાળામાં તેમની સંપત્તિમાં અધધ 4.1 બિલિયન ડોલરનો વધારો નોંધાયો છે. એકતરફ દેશના ટોચના 100 ધનિક લોકોની નેટવર્થમાં 9 ટકાનો ઘટાડો નોંધાતા એક ટ્રિલિયન ડોલર થઈ છે ત્યારે સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિમાં વધારો થયો છે. દેશના ટોચના ધનિકોની 2024માં કુલ સંપત્તિનો આંકડો 1.1 ટ્રિલિયન ડોલર હતો.
સાવિત્રીદેવી જિંદાલ ગ્રુપના સંસ્થાપક સ્વર્ગસ્થ ઓમપ્રકાશ જિંદાલનાં પત્ની છે. 2005માં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઓ પી જિંદાલનું મૃત્યુ થયું હતું, ત્યારપછી સાવિત્રી જિંદાલે ગ્રુપનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેમના બિઝનેસનું સામ્રાજ્ય હવે ચાર પુત્રો વચ્ચે વિભાજિત છે. સૌથી મોટા પુત્ર નવીન જિંદાલ હાલમાં કુરુક્ષેત્ર બેઠકથી ભાજપના સાંસદ છે.

LEAVE A REPLY