Action Images via Reuters/Jason Cairnduff

ઇંગ્લેન્ડ સામે એજબેસ્ટન સ્ટેડિયમમાં 9 જુલાઈએ રમાયેલી બીજી ટી-20 મેચમાં 49 રનથી વિજય સાથે ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટી-20 સિરિઝ 2-0થી જીતી લીધી હતી. આ જ એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારતે ટેસ્ટ મેચમાં કારમો પરાજય સહન કરવો પડ્યો હતો. સિરીઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રવિવારે નોટ્ટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે.

ઇંગ્લેન્ડે ટોસ જીત્યા બાદ ભારતે બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં આઠ વિકેટે 170 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આની સામે ઇંગ્લેન્ડ 17 ઓવરમાં 121 રન કરી શક્યું હતું.
ભારત માટે નિરાશા એ વાતની રહી હતી કે તેનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સુપર ફ્લોપ રહ્યો હતો. આગામી ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારત તેની ટીમ સજ્જ કરી રહ્યું છે ત્યારે કોહલીનું કંગાળ ફોર્મ તેના માટે ચિંતાજનક વિષય બની ગયો છે.

શનિવારે 170 રનના સ્કોર સામે ભારતીય બોલર્સે કમાલ કરી દેખાડી હતી. 171 રનના સ્કોર સામે રમતાં ઇંગ્લેન્ડનો પ્રારંભ કંગાળ રહ્યો હતો. ઓપનર જેસન રોય પહેલા જ બોલે આઉટ થઈ ગયો હતો. આમ ભુવનેશ્વર કુમારે સિરીઝમાં બીજી વાર પોતાની પહેલી જ ઓવરમાં ભારતને સફળતા અપાવી હતી. જોઝ બટલર ફરી એક વાર ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. આ વખતે તે માત્ર ચાર રન કરી શક્યો હતો.

ડેવિડ મલાન અને લિયમ લિવિંગસ્ટોને અનુક્રમે 19 અને 15 રન ફટકાર્યા હતા, પરંતુ 171 રનના ટાર્ગેટ સામે રમતી ટીમ માટે આ સ્કોર અપેક્ષા મુજબનો હતો. તેમની પાસેથી લાંબી ઇનિંગ્સની અપેક્ષા રખાતી હતી. બુમરાહના એક શાનદાર સ્વિંગ બોલમાં લિવિંગસ્ટોન સમજી શકયો ન હતો અને બોલ્ડ થયો હતો. બુમરાહે આ સાથે મેડન ઓવર ફેંકી હતી. જે તેની કારકિર્દીની નવમી મેડન ઓવર હતી. ટી20 ક્રિકેટના ઇતિહાસમાં અન્ય કોઈ બોલર આટલી મેડન ઓવર ફેંકી શક્યો નથી. ઇંગ્લેન્ડે 60 રનમાં છ વિકેટ ગુમાવી ત્યારે જ તેનો પરાજય નિશ્ચિત થઈ ગયો હતો. મોઇન અલીએ લડત આપીને 21 બોલમાં 35 રન ફટકાર્યા હતા, પરંતુ ત્યાં સુધી ઘણો વિલંબ થઈ ચૂક્યો હતો. ભારતીય બોલર્સ અંગ્રેજ બેટિંગ પર હાવી થઈ ગયા હતા. ભારત માટે ભુવનેશ્વર કુમારે ત્રણ, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે બે બે તથા હાર્દિક પંડ્યા અને હર્ષલ પટેલે એક એક સફળતા પ્રાપ્ત કરી હતી.

અગાઉ ભારત માટે રોહિત શર્માની સાથે રિશભ પંતને ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો. બંનેએ ઝંઝાવાતી બેટિંગ કરી હતી પરંતુ ત્યાર બાદ ભારતે ઉપરા ઉપરી વિકેટો ગુમાવી હતી. રોહિત શર્મા 20 બોલમાં 31, રિશભ પંત 15 બોલમાં 26 રન ફટકારીને આઉટ થયા હતા. વિરાટ કોહલી માત્ર એક રન કરી શક્યો હતો. આ ત્રણેય વિકેટ ઇંગ્લેન્ડના નવોદિત બોલર રિચર્ડ ગ્લીસને ઝડપી હતી જે તેની પહેલી જ ટી20 મેચ રમી રહ્યો હતો. તેમાંય તેણે કોહલી અને પંતને ઉપરા ઉપરી બોલમાં આઉટ કર્યા હતા.

આવી જ રીતે ક્રિસ જોર્ડને પણ ઇંગ્લેન્ડને સફળતા અપાવીને ભારતનો ધબડકો કરવામાં યોગદાન આપ્યું હતું. તેણે ઉપરા ઉપરી બોલમાં હાલમાં શાનદાર ફોર્મ ધરાવતા હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને પેવેલિયનમાં મોકલી આપ્યા હતા.

જોકે રવીન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે જ ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડતાં 29 બોલમાં પાંચ ચોગ્ગા સાથે અનમ 46 રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડ માટે ક્રિસ જોર્ડને 27 રનમાં ચાર વિકેટ ઝડપી હતી તો ત્રણ વિકેટ લેનારા ગ્લીસને ચાર ઓવરમાં માત્ર 15 રન આપ્યા હતા.