NCGO યુકેના પૂર્વ પ્રમુખ તથા ગીતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી શરદ પરીખનું નિધન

યુકેની નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાત ઓર્ગેનાઈઝેશનના પૂર્વ પ્રમુખ, સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુ.કે.)ના કમિટીના સભ્ય અને ટ્રસ્ટી તથા ગીતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપનાર શ્રી શરદકુમાર બાલમુકુંદ પરીખનું કેન્સર સાથેની એક વર્ષની લાંબી બહાદુરીભરી લડાઈ બાદ 13મી જાન્યુઆરીના રોજ શાંતિપૂર્ણ અવસાન થયું હતું.

શ્રી શરદકુમાર પરીખનો જન્મ 14 ઑક્ટોબર 1948ના રોજ કેન્યાના કિટાલે ખાતે થયો હતો. તેમના પિતા શ્રી બાલમુકુંદ પરીખ શરદભાઇ માંડ 6 વર્ષના હતા ત્યારે તેમને લઇને સપરિવાર યુ.કે. આવ્યા હતા. શરદભાઇએ યુકેમાં જ અભ્યાસ કર્યો હતો. 1974માં તેમના લગ્ન અરુણાબેન સાથે થયા હતા. તે દંપત્તીએ સાથે મળીને લગભગ 30 વર્ષ સુધી વોલિંગ્ટન, સરેમાં ફાર્મસીને બિઝનેસ કર્યો હતો. સમર્પણ, સેવા અને સખત પરિશ્રમથી ખોટ કરતી ફાર્મસીને તેમણે ધમધમતી કરી હતી અને પોતાના નફામાંથી સતત અને નિવૃત્તિ પછી શરદભાઈએ અદ્ભુત અને ઉદાર સખાવતી કાર્યો કર્યા હતા.

શરદભાઈ ઘણા વર્ષો સુધી યુ.કે.ની નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાત ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ રહ્યા હતા અને તેમના વડપણ હેઠળ ઘણાં કાર્યક્રમોના આયોજનો થયા હતા. આ જ સંસ્થામાં તેમણે કમિટીના સભ્ય તરીકે તથા અન્ય હોદ્દાઓ પર સેવાઓ આપી હતી. શરદભાઈએ નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ સાથે મળીને લંડનમાં આવેલી મહાત્મા ગાંધીની બે સ્મારક પ્રતિમાઓ વચ્ચે વાર્ષિક ગાંધી પદયાત્રાનો પ્રારંભ પણ કર્યો હતો. પદયાત્રામાં ભાગ લેનારાઓ માટે પાણીની બોટલો અને અન્ય સુખ-સુવિધાઓની વ્યવસ્થા શરદભાઈ કરતા હતા.

સ્વ. શરદભાઈ સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુ.કે.) અને ગુજરાતીઝ ઇન યુકેના કમિટીના સભ્ય અને ટ્રસ્ટી રહ્યા હતા. તેમના શાંત અને મૈત્રીપૂર્ણ સ્વભાવે તેમને વિવિધ સામાજિક કાર્યોમાં ભાગ લેનાર લોકપ્રિય વ્યક્તિ બનાવ્યા હતા.

ગીતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે શરદભાઈ કેન્યામાં અંધજનો માટે હોસ્પિટલનું નિર્માણ, ગુજરાતમાં શાળાઓ માટે કોમ્પ્યુટરના દાન, જર્જરિત શાળાઓની ઈમારતોના નવીનીકરણ સહિત ઘણા સેવાકાર્યો માટે નોંધપાત્ર દાન કરતા હતા. તેઓ પોતાની પાછળ પત્ની અરુણાબેન, પુત્ર કૃષ્ણ, પુત્રી જયશ્રી, પુત્ર લાલી અને છ પૌત્ર-પૌત્રીઓના વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.

તેમના અંતિમ સંસ્કાર શનિવાર તા. 21મી જાન્યુઆરી 2023ના રોજ સવારે 9.45 કલાકે ક્રોયડન ક્રિમેટોરિયમ, મિચમ રોડ, ક્રોયડન ખાતે કરાશે. અંતિમ સંસ્કારમાં રૂબરૂ ભાગ ન લઇ શકે તે લોકો વેબ બ્રોડકાસ્ટ: https://watch.obitus.com પર જઇને યુઝર નેમ: cowe3889 અને પાસવર્ડ: 395558 થી ભાગ લઇ શકશે.

પરિવાર તરફથી શ્રધ્ધાંજલિ આપવા માટે ફૂલો લાવવાના બદલે તેમની ચેરીટી ગીતા ફાઉન્ડેશન, યુ.કે. (ચેરિટી નંબર 1047975) ને દાન કરવા વિનંતી કરાઇ છે.

LEAVE A REPLY

5 − four =