Shashi Tharoor
કોંગ્રેસ નેતા શશી થરૂર (ANI Photo/Sansad TV)

ભારતની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીમાં શશી થરૂર અને રાજસ્થાનના હાલના મુખ્યપ્રધાન અશોક ગહેલોત વચ્ચે ટક્કર થવાની શક્યતા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમથી કોંગ્રેસ સાંસદ શશી થરુરને અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા મંજૂરી આપી છે. સોમવારે તેમણે સોનિયા ગાંધીની મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ શશિ થરુરને પક્ષ પ્રમુખ પદની ચૂંટણી લડવા મંજૂરી આપી દીધી છે.

પક્ષમાં અધ્યક્ષપદનો મુદ્દો લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે. ચૂંટણીમાં ગાંધી પરિવારનો કોઈ સભ્ય ઊભો રહેશે કે નહીં એ બાબતે રાહુલ ગાંધીએ પણ થોડા દિવસો પહેલાં સસ્પેન્સ જાળવ્યું હતું. જોકે, હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, કોંગ્રેસ પક્ષના અધ્યક્ષપદની ચૂંટણીમાં ગાંધી પરિવારનો કોઈ સભ્ય ઊભો નહીં રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીમાં શશી થરુર અને અશોક ગહેલોત વચ્ચે જંગ જામશે.

બે વર્ષના લાંબા ગાળા પછી આખરે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષની ચૂંટણી થવાની છે. તેના માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ત્રણ દિવસમાં શરૂ થશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પક્ષમાં પરિવર્તનના પ્રબળ હિમાયતી શશી થરુરને આગામી મહિને થનાર અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઊભા રહેવા માટે સોનિયા ગાંધીની મંજૂરી મળી હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની સામે અશોક ગેહલોત ઊભા રહેશે.

થરુરે અગાઉ પણ પક્ષના અધ્યક્ષ બનવામાં રસ ધરાવતા હોવાનો સંકેત આપ્યો હતો. બીજી તરફ, અશોક ગહેલોત પણ ગાંધી પરિવારના વફાદાર મનાય છે. તે ૨૫ ઓક્ટોબરે દિલ્હી જશે અને પછીના દિવસે ઉમેદવારી પત્ર ભરશે. અત્યારે પક્ષના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી વિદેશમાં મેડિકલ ચેક-અપ પછી પરત ફર્યા ત્યારે શશી થરુર અને અન્ય કેટલાક નેતાને મળ્યા હતા. જેમાં કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી અંગે ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટમીમાં પરાજય પછી રાહુલ ગાંધીએ પક્ષનું અધ્યક્ષ પદ છોડ્યું હતું અને ત્યારે સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષની ભૂમિકા સંભાળી હતી. તેમને એવું હતું કે, થોડા સમયમાં પક્ષની આંતરિક ચૂંટણી દ્વારા પક્ષના અધ્યક્ષનો નિર્ણય લેવાશે, પણ એવું થયું ન હતું. રાહુલ ગાંધી અત્યારે પક્ષની ‘ભારત જોડો’ યાત્રાનું નેતૃત્વ સંભાળી રહ્યા છે પણ પક્ષના અધ્યક્ષની ચૂંટણી લડવાનો તેમણે સતત ઇનકાર કર્યો છે. ગેહલોત સહિત પક્ષના એક વર્ગે રાહુલને ફરી અધ્યક્ષ બનાવવાની માંગણી કરી છે.

ગાંધી પરિવારના વફાદાર મનાતા ત્રણ રાજ્યોના એકમોએ પક્ષના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીને ઊભા રાખવાની માંગ કરી છે. તેને લીધે ગાંધી પરિવાર ચૂંટણી સાથે કે વગર પક્ષનું નિયંત્રણ જાળવી રાખશે એવી પણ આશંકા છે. અધ્યક્ષ પદની ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ રાહુલની તરફેણમાં વધુ વિનંતીઓ આવે તેવી શક્યતા છે.

શશી થરુરની વાત કરીએ તો, જે ૨૮ નેતાઓ કોંગ્રેસ સંગઠનના માળખામાં ફેરફારની માંગ કરી હતી તેમાં તે સામેલ હતા. ત્યારથી થરુર ચૂંટણી પ્રક્રિયા પર સતત નજર રાખી રહ્યા છે. ગયા સપ્તાહે કેટલાક નેતાઓએ AICCની કેન્દ્રીય ચૂંટણી ઓથોરિટીને પત્ર લખીને ચૂંટણી પ્રક્રિયામાં ‘પારદર્શકતા અને પ્રામાણિકતા’ની માંગણી કરી હતી. જેમાં થરુર સામેલ હતા. તેમણે મતદાતાઓનું નામ જાહેર કરવા પણ જણાવ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે 22 સપ્ટેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્ર દાખલ કરવાની પ્રક્રિયા 24થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવાર પત્ર પાછું લેવાની અંતિમ તારીખ 8 ઓક્ટોબર છે. 17 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને પરિણામ 19 ઓક્ટોબરના રોજ આવશે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રદેશ કોંગ્રેસ કમિટીના આશરે 9000 પ્રતિનિધિ કરશે. જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીના 23 સભ્યો પૈકી 12 ચૂંટાશે જ્યારે 11 નોમિનેટ કરવામાં આવશે. જો કોંગ્રેસ વર્કિંગ કમિટીના 12 ચૂંટાયેલા સભ્યો માટે વધારે ઉમેદવાર હશે તો તે માટે પણ ચૂંટણી જ થશે.

LEAVE A REPLY

sixteen − 9 =