પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુરોપનું સૌથી મોટું ઓઇલ એન્ડ ગેસ ગ્રુપ શેલ ભારતની રિન્યુએબલ પાવર કંપની સ્પ્રંગ (sprng) એનર્જી ખરીદવાનો સોદો કરવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે. શેલ કાર્બનનું નીચું ઉત્સર્જન કરતી એનર્જી પર ફોકસ કરી હોવાથી આ હિલચાલ કરી છે. sprng એનર્જી ભારતમાં સોલર અને વિન્ડ ફાર્મનું ઉત્પાદન કરે છે અને શેલ પ્રાઇવેટ ઇક્વિટી (પીઇ) ગ્રૂપ એક્ટિસ પાસેથી આ કંપનીને હસ્તગત કરે તેવી શક્યતા છે. જો આ સોદો થશે તો તે શેલ કે વિશ્વની કોઇપણ ‘બિગ ઓઇલ’ કંપનીનો ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો સોદો હશે.

બ્લૂમબર્ગના રીપોર્ટમાં જણાવાયું હતું કે વેચાણની પ્રક્રિયા છેલ્લાં કેટલાંક મહિનાથી ચાલુ છે અને આગામી બેથી ત્રણ સપ્તાહમાં સોદા પર હસ્તાક્ષર થવાની ધારણા છે. આ સોદામાં આ એનર્જીનું મૂલ્ય તેના દેવા સાથે 1.8 બિલિયન ડોલર આંકવામાં આવે તેવી શક્યતા છે. ગયા સપ્તાહે શેલે આ વેલ્યુએશન સાથે કરેલી ઓફર સિંગાપોરના સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીની ઓફર કરતાં ઊંચી હોવાનું માનવામાં આવે છે. કંપની માટે અદાણી ગ્રુપ, કેનેડિયન પેન્શન ફંડ સીપીપી ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ, આર્સેલરમિત્તલ સહિતની કંપનીઓ મેદાનમાં હતી, પરંતુ છેલ્લે માત્ર બે કંપનીઓએ બંધનકર્તા બિડ કરી છે.

શેલે આ મુદ્દે ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

આ એનર્જી કંપની આશરે 1.6 ગીગાવોટ સૂર્ય ઊર્જા અને આશરે 500 મેગાવોટ વિન્ડ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ કંપનીની સ્થાપના એક્ટિસે 400 મિલિયન ડોલરના રોકાણ સાથે કરી હતી.

ગયા વર્ષે 19.3 બિલિયન ડોલરનો નફો કરનારી શેલ લો-કાર્બન એનર્જી ક્ષેત્રની તક શોધી રહી છે, કારણ કે કંપની 2050 સુધીમાં તેનું કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી નેટ ઝીરો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ગયા વર્ષે નેધરલેન્ડની કોર્ટના આદેશ પછી કંપની માટે પરિવર્તન માટે ઝડપથી કામ કરવાનું દબાણ પણ ઊભું થયું છે.

શેલે જણાવ્યું હતું કે તેના પોર્ટફોલિયોમાં હાલ આશરે 4 ગીગાવોટના સોલર પ્રોજેક્ટ્સ અને આશરે 8 ગીગાવોટના દેશ-વિદેશમાં વિન્ડ પ્રોજેક્ટ્સ છે. કંપની લો કાર્બન હાઇડ્રોજન બિઝનેસ વિકસાવવાની નવી તકો પણ શોઘી રહી છે. શેલે ઇલેક્ટ્રિકલ વ્હિકલ ચાર્જિંગ માટે મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે.

શેલ હાલમાં ભારતના રિન્યુએબલ માર્કેટમાં મર્યાદિત હાજરી ધરાવે છે. તેને 2019માં ભારતની રૂફટોપ સોલર પાવર કંપની ઓર્બ એનર્જીમાં 20 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદ્યો હતો. ભારતનું વિન્ડ એન્ડ સોલર પાવર માર્કેટ ઝડપથી વૃદ્ધિ નોંધાવી રહ્યું છે અને સરકારે 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ કેપેસિટી ઊભી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે હાલની કેપેસિટીના પાંચ ગણો છે.