શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના 20માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા(ANI Photo)

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની નવી સરકાર 4 જુલાઈએ વિશ્વાસનો મત લેશે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે 4 જુલાઈએ વિધાનસભામાં વિશ્વાસની દરખાસ્ત રજૂ કરશે. ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે વિધાનસભાના સ્પીકરના હોદ્દા માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું. જો જરૂર પડશે તો સ્પીકરની ચૂંટણી 3 જુલાઈ યોજાશે. વિધાનસભાની બે દિવસના ખાસ સત્રનો ત્રણ જુલાઈથી પ્રારંભ થશે. કોંગ્રેસના નાના પટોળેએ ગયા વર્ષના ફેબ્રુઆરીમાં સ્પીકર પદેથી રાજીનામું આપ્યા બાદ આ હોદ્દો ખાલી છે.

બીજી તરફ રાજ્યમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે ભાજપે સત્તામાં વાપસીની ઉજવણી કરી હતી, તેમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડનવીસ સૂચક રીતે ગેરહાજર રહ્યાં હતા. ફડનવીસના એક સમર્થકે જણાવ્યું હતું કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે ફડનવીસ પોતાના નિવાસસ્થાને બેઠકો યોજવામાં વ્યસ્ત હતા.

ગૌહાટીની લક્ઝરી હોટેલમાં આઠ દિવસ રહેલા શિવસેનાના બળવાખોરોએ બુધવારે હોટેલમાંથી નીકળતા પહેલા તેમના બિલની ચુકવણી કરી હતી, એમ હોટેલના અધિકારીએ જણાવ્યું હતું. જોકે તેમણે કુલ બિલ અંગે ચુપકીદી સેવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હોટેલનું કુલ બિલ રૂ.68થી 70 લાખ થયું હતું. એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે લોકો વિચારે છે કે ભાજપ સત્તા માટે અધીરો છે, પરંતુ આ દેવેન્દ્રજીનો માસ્ટરસ્ટ્રોક છે. મોટી સંખ્યામાં ધારાસભ્યો હોવા છતાં બીજા વ્યક્તિને સત્તા સોંપવા માટે ઉદાર હૃદયની જરૂર પડે છે. તેમના નિર્ણયથી રાજ્ય અને દેશના લોકોને આવી વિશાળ ઉદાહરતાનું નવું દ્રષ્ટાંત મળ્યું છે