Unseasonal rains in Ahmedabad, North Gujarat and Kutch: One dead due to lightning

જૂનાગઢ શહેર, ગિરનાર પર્વત પર અને આસપાસ પંથકમાં શનિવારે પણ સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ગિરનાર અને દાતાર પર્વત પર આહલાદક વાતાવરણ છવાયું હતું. ગિરનાર પર્વતનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે તેમજ એના ઉપર બે દિવસથી સતત વરસાદને પગલે પગથિયાં પરથી ધસમસતું પાણી વહેતું હતું. આ વરસાદી માહોલમાં ગિરનાર પર્વત ઉપર છવાયેલા કુદરતી સૌંદર્યનો લહાવો લેવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા. જોકે વરસાદી માહોલને પગલે પર્વત પરની રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે. ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથના જંગલ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેથી જંગલ વિસ્તાર અને પાસે આવેલો વિલિંગ્ડન ડેમ પર વરસાદી વાદળો છવાઈ ગયાનો અદભુત નજારો જોવા મળ્યો હતો, જેને જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો અને પર્યટકો ડેમની સાઈટ પર પહોંચ્યા હતા.