અમદાવાદના પાલડીના વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના દેરાસરમાં બે વર્ષ દરમિયાન મંદિરના પૂજારી અને બે સફાઇકર્મીએ રૂ.1.64 કરોડના કુલ 117 કિલો ચાંદીની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ચોરી થયેલી વસ્તુઓમાં મુગટ, હાર, કુંડળ, બંગડીઓ અને ચાંદીની મૂર્તિઓનો સમાવેશ થાય છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે મંદિરના પૂજારી મેહુલ રાઠોડે કથિત રીતે સફાઈ કર્મી તરીકે કામ કરતાં દંપતી, કિરણ અને પુરી ઉર્ફે હેતલ સાથે મળીને બે વર્ષના સમયગાળા દરમિયાન મંદિરના પૂજા ખંડ અને ભોંયરાના લોકરમાંથી ચાંદીના વાસણોની ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું. મંદિરના ટ્રસ્ટીઓને દેવતાને ચઢાવવામાં આવેલ આંગી (ચાંદીના વસ્ત્ર) ગાયબ થઈ હોવાની ખબર પડ્યા પછી ઘટના બહાર આવી હતી.
વિગતવાર શોધખોળમાં જાણવા મળ્યું હતું ભોંયરામાં ઘણા ચાંદીના મુગટ, કુંડળ, પુંઠિયા અને ચાંદીના બોક્સ ગાયબ હતા. તપાસ શરૂ થયા પછી તરત જ પૂજારી અને સફાઈ કરનાર દંપતી ગુમ થઈ ગયા હતાં, જેનાથી શંકા ઉભી થઈ. રાઠોડે 8 ઓક્ટોબરના રોજ બપોરે 2.45 વાગ્યે મુખ્ય સીસીટીવી બંધ કરી દીધાં હતાં
કુલ 117 કિલો ચાંદીની મતા ચોરી થતાં આ મામલે પાલડી પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે તપાસ કરતા પૂજારી અને સફાઇકર્મી દંપતી સહિત ત્રણ લોકો ગાયબ હતા. જેથી પૂજારી મેહુલ રાઠોડે જ સફાઇકર્મી કિરણ અને તેની પત્ની પુરી ઉર્ફે હેતલ સાથે મળીને ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરીને મુદ્દામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી હતી.
