તાજેતરમાં જ બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણ જેએનયૂમાં વિરોધ કરનારા વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે પહોંચી હતી. આ મામલે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ તેના પર હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું કે હું જાણવા માગું છું કે ‘આખરે તે (દીપિકા) રાજકીય રીતે કયા પક્ષ સાથે સંકળાયેલી છે? દેશમાં જે-જે લોકોએ આ વિશેના સમાચાર સાંભળ્યા હશે કે વાંચ્યા હશે તે તમામના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો જ હશે કે તે દેખાવકારો વચ્ચે કેમ ગઈ?’

કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાની તરફથી એક પ્રશ્નના જવાબમાં કરવામાં આવેલી ટિપ્પણીનો વીડિયો ભાજપા નેતા તેજિંદર પાલ બગ્ગાએ ટ્વીટર પર શેર કર્યો છે. સ્મૃતિનું કહેવું છે કે ‘અમારા માટે આ વાત જરા પણ આશ્ચર્ય પમાડનારી નથી કે દીપિકા તે લોકોની પડખે ઉભી રહી, કે જે લોકો ભારતના ટુકડે-ટુકડા કરવા માગે છે. તે એવા લોકો સો ઉભી રહી કે જેમણે લાકડીઓથી છોકરીઓના પ્રાઈવેટ પાર્ટ્સ પર હુમલાઓ કર્યા છે.’

આટલું જ નહીં દીપિકા પાદુકોણ પર કોંગ્રેસ સાથે સંબંધ હોવાનો પણ આરોપ લગાવતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ‘દીપિકાએ 2011માં કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ પાર્ટીનું સમર્થન કરે છે.’ જેએનયૂમાં વિદ્યાર્થીઓ પર બુકાનીધારી હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલા વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે આ મામલા પર પણ તપાસ ચાલી રહી છે. હું ફક્ત એટલું કહેવા માગું છું કે આ મામલામાં તપાસ ચાલી રહી છે. હું બંધારણીય પદ પર છું અને પોલીસ તરફથી તપાસના મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી આ મામલે કોઈ નિવેદન આપવું યોગ્ય નહીં ગણાય.