રામાનંદ સાગરની ટીવી શ્રેણી રામાયણમાં દેવી સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલિયા, ભગવાન લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનીલ લાહિરી સાથે ભગવાન રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ (ANI Photo)
ભારતમાં 1980ના દાયકામાં મનોરંજન મેળવવા માટે દૂરદર્શન મહત્ત્વનું માધ્યમ હતું. એ જમાનામાં દૂરદર્શન પર દર્શાવાતા ગીત-સંગીત કાર્યક્રમો અને ફિલ્મો જોવા માટે દર્શકોમાં આકર્ષણ રહેતું હતું. રામાનંદ સાગર કૃત રામાયણ સીરિયલ દર્શાવવામાં આવી, જે ખૂબ જ સફળ થઇ હતી.
તેમાં અભિનય આપનારા કલાકારો પણ ઘરે-ઘરે લોકપ્રિય બન્યા હતા. ત્યાર પછી જાણીતા ફિલ્મ સર્જક બી. આર. ચોપરાએ મહાભારત સીરિયલનું નિર્માણ કર્યું, તેને પણ ખૂબ જ મોટો ચાહક વર્ગ મળ્યો અને તેના કલાકારોએ પણ દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. અહીં આ બંને સીરિયલો કેટલાક એવા પાત્રો-કલાકારોની વાત છે જેમણે પછી દેશના રાજકારણમાં આવીને નસીબ અજમાવ્યું હતું. આ ઉપરાંત અહીં ગુજરાતી ફિલ્મોના જે જાણીતા કલાકારોએ રાજકીય ક્ષેત્રે નસબી અજમાવીને સફળ થયા હતા તેમની પણ અહીં વિગતો રજૂ કરવામાં આવી છે.
રામાયણ, સીતા-દીપિકા ચિખલિયા
દીપિકા ચિખલિયા 1991માં વડોદરામાં ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડીને વિજેતા થયા હતા. પછી રાજકારણનો ત્યાગ કરી મુંબઈમાં એક ઉદ્યોગપતિ સાથે લગ્ન કરીને સ્થાયી થયા હતા.
રામાયણ, રાવણ-અરવિંદ ત્રિવેદી
મૂળ તો ગુજરાતી ફિલ્મોના અભિનેતા અરવિંદ ત્રિવેદી 1991માં ગુજરાતમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઇને લોકસભાના સભ્ય બન્યા હતા અને પાંચ વર્ષ સુધી સક્રિય રહ્યા હતા. 2002માં અટલબિહાર વાજપેયીની સરકારમાં રાષ્ટ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા હતા. તેઓ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીના નાના ભાઇ હતા. તેમણે રાવણની ભૂમિકા ભજવીને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.
રામાયણ, હનુમાન-દારા સિંઘ
મૂળ ફિલ્મ અભિનેતા દારા સિંઘ જાન્યુઆરી 1998માં ભાજપમાં જોડાયા હતા. તેઓ રાજ્યસભામાં નામાંકન પામનાર પ્રથમ રમતવીર હતા. તેઓ 2003થી 2009 દરમિયાન રાજ્યસભાના સભ્ય હતા. તેઓ જાટ મહાસભાના પણ પ્રેસિડેન્ટ હતા.
રામાયણ-રામ-અરૂણ ગોવિલ
અરૂણ ગોવિલ મૂળ તો ફિલ્મ અભિનેતા છે. રામાયણ સીરિયલ પછી રાજીવ ગાંધીએ તેમને કોંગ્રેસ માટે પ્રચાર કરવાથી વિનંતી કરી હતી, પણ તેમણે સ્વીકારી નહોતી. હવે વર્તમાન લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે.
મહાભારત, ભગવાન કૃષ્ણ-નીતિશ ભારદ્વાજ
1996માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર જમશેદપુર લોકસભાની બેઠક પર વિજેતા થયા હતા. પછી 1999માં મધ્ય પ્રદેશમાં તત્કાલિન મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહ સામે રાજગઢ લોકસભાની બેઠક પરથી હારી ગયા.
મહાભારત, યુધિષ્ઠિર-ગજેન્દ્ર ચૌહાણ
2004માં ભાજપમાં જોડાયા. 2015માં પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે નિમણૂક થઈ. જોકે, વિદ્યાર્થીઓએ તેમની નિમણૂક સામે વિરોધ કર્યો હોવાથી મોટો વિવાદ થયો હતો.
મહાભારત, ભરત રાજા- રાજ બબ્બર
ભરત રાજા પાંડવો અને કૌરવોના પૂર્વજ હતા. શહેનશાહ ભરતના નામ પરથી જ ભારત રાષ્ટ્રનું નામકરણ થયું હતું. રાજ બબ્બર મૂળ તો ફિલ્મોના અભિનેતા પણ તેમણે મહાભારત સીરિયલમાં પણ ભૂમિકા ભજવી હતી. રાજકારણમાં તેઓ પહેલા જનતા દળ પછી સમાજવાદી પાર્ટી અને હવે કોંગ્રેસમાં છે. તેઓ રાજ્યસભા અને લોકસભાના સભ્ય રહ્યા છે. અત્યારે તેઓ હરિયાણાની ગુરુગ્રામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં છે.
મહાભારત, ભીષ્મ પિતામહ-મુકેશ ખન્ના
મહાભારત પછી અત્યંત લોકપ્રિય સીરિયલ શક્તિમાનમાં શીર્ષક ભૂમિકા ભજવનાર મુકેશ ખન્નાએ અનેક ચૂંટણીઓમાં ભાજપ માટે પ્રચાર કર્યો. જોકે એમને પક્ષનો હોદ્દો કે ચૂંટણીની ટિકિટ ક્યારેય મળી નથી. શક્ય છે કે તેમણે તેની માગણી પણ ન કરી હોય.
મહાભારતના રચયિતા વેદ વ્યાસ અને ભીષ્મની સાવકા માતા-દેબાશ્રી રોય
દેબાશ્રી રોય પશ્ચિમ બંગાળમાં 2011થી 2021 સુધી મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના શાસક પક્ષ- તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી રાયદિઘી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

LEAVE A REPLY

17 + four =