રાજધાની કોલંબોમાં બે રાજકીય ગ્રૂપ વચ્ચે હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 76 લોકો ઘાયલ થયા બાદ પોલીસે રાષ્ટ્રવ્યાપી કરફ્યૂ લાદ્યો છે. REUTERS/Dinuka Liyanawatte

શ્રીલંકામાં અભૂતપૂર્વ નાણાકીય કટોકટી વચ્ચે દેશના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે સોમવારે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. વડાપ્રધાને તેમનો રાજીનામાનો પત્ર પ્રેસિડન્ટને મોકલી દીધો છે, એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. વડાપ્રધાનના રાજીનામા બાદ પ્રેસિડન્ટ હવે તમામ પાર્ટીની સરકાર બનાવવા માટે સંસદમાં તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપે તેવી શક્યતા છે.

પ્રેસિડન્ટ ગોટબાયા વડાપ્રધાન મહિન્દ્રાના મોટાભાઈ છે. દક્ષિણ એશિયાનો આ ટાપુ દેશ હાલમાં તેની આઝાદી પછીની સૌથી વિકટ આર્થિક કટોકટીમાં ઘેરાયેલો છે અને સત્તા પર બેઠેલા રાજપક્ષે પરિવાર વિરુદ્ધ 9 એપ્રિલથી વ્યાપક દેખાવો થઈ રહ્યાં છે. દેખાવકારો રાજપક્ષે પરિવારની હકાલપટ્ટી અને તેમની મિલકતો જપ્ત કરવાની માગણી કરી રહ્યાં છે.
શ્રીલંકામાં રાષ્ટ્રવ્યાપી કરફ્યૂ લાદ્યાના દિવસે જ આ રાજકીય હિલચાલ જોવા મળી છે. રાજધાની કોલંબોમાં બે રાજકીય ગ્રૂપ વચ્ચે હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 76 લોકો ઘાયલ થયા બાદ પોલીસે રાષ્ટ્રવ્યાપી કરફ્યૂ લાદ્યો છે.

આર્થિક કટોકટીને પગલે દેશમાં હાલ અનાજ, ઇંધણ અને દવા જેવી તમામ આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત છે. મોટાભાગના વિસ્તારોમાં વીજળી સપ્લાય પણ બંધ થઈ ગયો છે. 9 એપ્રિલથી પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્ષેની ઓફિસની બહાર દેખાવો કરી રહેલા લોકો પર પ્રેસિડન્ટના વફાદારોએ હુમલો કર્યો હતો. પોલીસે ભીડને વિખેરી નાંખવા માટે ટીયર ગેસ અને વોટર કેનનો સહારો લીધો હતો. ટ્રેડ યુનિયનના ભારે વિરોધ પ્રદર્શનને પગલે શુક્રવારે સરકારે ઇમર્જન્સી લાદીને લશ્કરને વ્યાપક સત્તાઓ આપી હતી. ટ્રેડ યુનિયને 17મેએ રાષ્ટ્રીય સંસદનો ઘેરાવો કરવાની જાહેરાત કરી છે.