Sri Lanka won the Asia Cup title
એશિયા કપમાં રવિવારે ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 23 રને હરાવીને શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. . (ANI Photo/ICC Twitter)

ભાનુકા રાજપક્ષાના ૪૫ બોલમાં ધમાકેદાર, અણનમ ૭૧ રન અને પછી પ્રમોદ મદુશન તથા વનિન્દુ હસારંગાની અસરકારક બોલિંગ સાથે રવિવારે એશિયા કપ ટી-20ની ફાઈનલમાં શ્રીલંકાએ 23 રને પાકિસ્તાનને હરાવી તાજ હાંસલ કર્યો હતો. એક તબક્કે ૫૮ રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધા પછી શ્રીલંકા વતી રાજપક્ષાએ એકલા હાથે વળતી લડત આપી ટીમને ૬ વિકેટે ૧૭૦ રનના લડાયક સ્કોરે પહોંચાડી હતી. વિજયના ૧૭૧ના ટાર્ગેટ સાથે ઉતરેલા પાકિસ્તાનને મદુશને આકરા ફટકા મારી બાબર આઝમ તથા ફખર ઝમાનની વિકેટો સસ્તામાં ખેરવી હતી તો એ પછી ઈફ્તેખારની વિકેટો ખેરવી શ્રીલંકાને વિજયના માર્ગે અગ્રેસર કર્યું હતું. પાકિસ્તાન એકંદરે ઈનિંગના છેલ્લા બોલે ૧૪૭માં ઓલઆઉટ થઈ ગયું હતું. મદુશને ૩૪ રનમાં ચાર અને હસારંગાએ ૨૭ રનમાં ૩ વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાએ આઠ વર્ષ પછી એશિયા કપ ફરી જીતી લીધો છે. આ અગાઉ ૨૦૧૪માં વન ડે ફોર્મેટમાં પણ ટીમે પાકિસ્તાનને ફાઈનલમાં હરાવ્યું હતું. ટી-૨૦ ફોર્મેટમાં આ વખતે એશિયા કપ ફક્ત બીજીવાર રમાઈ હતી. 

ભાનુકા રાજપક્ષાએ પાંચમાં ક્રમે બેટિંગ કરતાં ૪૫ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૭૧ રન કર્યા હતા. પાકિસ્તાની બોલરોની શરૂઆત વેધક રહી હતી અને શ્રીલંકાએ એક તબક્કે ૫૮ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. મેચ સાવ એકતરફી બની જશે એવું લાગતું હતું ત્યારે જ રાજપક્ષાએ ઝંઝાવાતી બેટિંગ સાથે બાજી પલ્ટી નાખી હતી. તેણે છેલ્લી ચાર ઓવરમાં ૫૦ રન કર્યા હતા.

પાકિસ્તાન તરફથી ફાસ્ટર નસીમ શાહે ચાર ઓવરમાં ૪૦ રનમાં એક વિકેટ લીધી હતી, તો રઉફે ૨૯ રનમાં ત્રણ શિકાર ઝડપ્યા હતા. 

પાકિસ્તાન તરફથી ઓપનર રીઝવાને 55 રન કર્યા હતા. ઈફ્તેખાર સાથેની ત્રીજી વિકેટની ભાગીદારીમાં એ બન્ને બેટિંગમાં હતા ત્યાં સુધી પાકિસ્તાન માટે વિજયની તકો પ્રબળ હતી પણ ત્રીજી અને ચોથી વિકેટરૂપે આ બન્નેની વિદાય પછી શ્રીલંકાના બોલરો છવાઈ ગયા હતા.  ભાનુકા રાજપક્ષા પ્લેયર ઓફ ધી મેચ તથા હસરંગા પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર થયા હતા.  

LEAVE A REPLY

two × 5 =