તમિલનાડુમાં ફિલ્મસ્ટારમાંથી રાજકીય નેતા બનેલા વિજયના રાજકીય પક્ષ TVKની કરુર ખાતેની એક રેલીમાં શનિવાર, 28 સપ્ટેમ્બરે મચેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયાં હતાં અને 100થી વધુ ઘાયલ થયા હતાં. આ રેલીમાં આશરે 30 હજારથી વધુ સમર્થકો એકઠા થયા હતાં અને ભારે અફરાતફરીના કારણે નાસભાગ સર્જાઈ હતી. ભારે ધક્કામુક્કીના કારણે રેલી દરમિયાન અનેક લોકો બેભાન થઈ ગયાં હતાં. આ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ દુઃખ વ્યક્ત કર્યું હતું.
ડીએમકે શાસિત તમિલનાડુના મુખ્યપ્રધાન સ્તાલિને આપેલી માહિતી અનુસાર કરુર નાસભાગમાં કુલ 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં આઠ બાળકો અને 16 મહિલાઓના મોત થયા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તમિલનાડુના મુખ્યપ્રધાન તથા રાજ્યપાલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને દુર્ઘટનાનો રીપોર્ટ માંગ્યો હતો.
મુખ્યપ્રધાન સ્ટાલિને નાસભાગની ઘટનામાં તપાસના આદેશ આપ્યા હતાં. વિજયના ટીવીકેના બે ટોચના નેતાઓ સામે કેસ દાખલ કરાયો હતો. તમિલનાડુના પોલીસ મહાનિર્દેશક જી વેંકટરામને કહ્યું છે કે રેલીમાં વિજય સાત કલાકના વિલંબ પછી આવ્યા હતા અને તેનાથી સમર્થકોની સંખ્યામાં મોટો વધારો થયો હતો.
રેલીમાં ભારે અફરાતફરીની સ્થિતિ સર્જાતાં TVKના પ્રમુખ તથા સુપરસ્ટાર વિજયે પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવી દેવું પડ્યું હતું. તેમણે ઍમ્બ્યુલન્સને રસ્તો આપવા આગ્રહ કર્યો હતો. એક 9 વર્ષની બાળકી પણ ગુમ થઈ હોવાની ફરિયાદ પછી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.
ફિલ્મસ્ટાર વિજય હવે ફિલ્મી દુનિયા છોડી રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. તેમણે પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે આગામી છ મહિનામાં રાજ્યમાં સત્તા પલટાઈ જશે.
