Hindus and fight Hinduphobia

યુરોપમાં સૌથી મોટાપાયે ગરબાનું આયોજન કરતા શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPCની મુલાકાતે ગયેલા લેબર નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’યુકેમાં વસતા ભારતીય સમુદાય સાથે વધુ સંબંધો બાંધવા અને ભારતીય તથા હિન્દુ સમુદાયના નેતાઓને રાજકારણ તેમજ પાર્લામેન્ટમાં વઘુ પ્રતિનિધિત્વ આપવા માટે લેબર પક્ષ આતુર છે. હિન્દુફોબીયાને હું અને લેબર પાર્ટી બહુ જ ગંભીરતાથી લઇ છીએ અને તે માટે અમે એન્ટી સેમેટીઝમ જેવો જ અભિગમ આપનાવીશું. લેબર પાર્ટી ભારત અને ભારતીયો સાથે વધુ સારા સાંસ્કૃતિક, રાજકીય અને વ્યાપારિક સંબંધો માટે આતુર છે. કાશ્મિર પ્રશ્નનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે બન્ને દેશો દ્વારા પારસ્પિરિક ચર્ચા દ્વારા લાવવામાં આવે તે જરૂરી છે.’’

લેબર પાર્ટીના ભારતીય સમુદાય સાથેના સંબંધો અંગે લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’હું ભારતીય સમુદાયનો વિશ્વાસ પુનસ્થાપિત કરવા માંગુ છું અને તે માટે કટિબધ્ધ છું. અમારે  વિશ્વાસનું પુન: નિર્માણ કરવાનું છે. ભારતીયો અને ભારત સાથે ઘણાં વર્ષોથી મજબૂત જોડાણ છે. હું તે જોડાણોને વધુ મજબૂત કરવા માંગુ છું.  લેબર પાર્ટી અને ભારતીય સમુદાય વચ્ચેના સંબંધોની વાત કરૂ તો અમે અહિં તે સંબંધોની ઉજવણી કરવા માંગીએ છીએ. આ સેન્ટરમાં આવતાં મને ગર્વ થઇ રહ્યો છે. અમે બદલાયા છીએ અને હવે અમે એક જુદી જ લેબર પાર્ટી બનાવી છે. ભારતની આઝાદીના 75માં વર્ષની અને આ સેન્ટરની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે હું સૌને હેપ્પી વિજયા દશમી કહેવા માંગુ છું. ભારતીયોએ આપણા  દેશ માટે, આપણી ઇકોનોમી માટે, આપણાં સાસ્કૃતિક જીવનમાં આપેલા યોગદાન માટે અને આવી ઉજવણીઓ માટે સૌનો આભાર માનવા માંગુ છું.’’

ભારતીય સમુદાય સાથેના લેબર પાર્ટીના સંબંધોને રીપેર કરવા અંગે સર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’આ પ્રસંગે હું અહિં પ્રથમ વખત આવ્યો છું અને ખાસ કરીને આ સેન્ટરની પચાસમી વર્ષગાંઠ પ્રસંગે આવીને ગર્વની લાગણી અવુભવી રહ્યો છું. મારો હેતુ પાર્ટી અને ભારતીય સમુદાય વચ્ચેનો વિશ્વાસ ફરીથી પુન:સ્થાપિત કરવાનો છે, તેના માટે મારી સામે જે કોઇ પણ પ્રશ્ન, સમુદાય તરફથી મૂકવામાં આવે તેનો જવાબ આપવા માટે હું તત્પર છું અને તે પ્રશ્નો પૂછવા માટે હું કોઇ લીમીટ જોતો નથી. બહુ અગત્યનો મુદ્દો બહાર આવ્યો છે તે એ છે ભારતીયો અને હિન્દુઓના પ્રતિનિધિત્વનો. અમે હિન્દુ સમુદાયના અને ભારતીય સમુદાયના વધુ લોકોને લેબર પાર્ટીમાં, રાજકારણમાં અને પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ આપવા માંગીએ છે અને તેઓ ઉમેદવાર તરીકે બહાર આવે તે માટે અમે ચર્ચા કરી રહ્યા છીએ.’’

કાશ્મીર બાબતે લેબર પક્ષના વલણ અંગે સર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’એક પાર્ટી તરીકે અમે કાશ્મિરની સિચ્યુએશનને બહુ જ ગંભીર રીતે લેવા માંગીએ છીએ. મારો મુદ્દો હ્યુમન રાઇટ્સ વિષેનો છે અને મારા મતે કાશ્મિર મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે હલ થવો જોઇએ. અમારો રોલ તેનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે આવે તે માટે મદદ કરવાનો છે. આવો જ અભિગમ વિશ્વના અન્ય કોઇ પણ પ્રશ્નનો હલ લાવવા અંગેનો હોય છે. અમારો હેતુ ભારત સાથે સજ્જ્ડ સંબંધો સ્થાપવાનો છે. માનવ અધિકારનો મુદ્દો સંકળાયેલો હોવાથી ભારતીય કાશ્મિર અને પાકિસ્તાન… કહું તો વૈશ્વિક સમુદાયો વિશાળ રોલ ભજવવાનો છે.’’

સર કેર સ્ટાર્મરે ખાસ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘’હિન્દુફોબીયાને હું અને લેબર પાર્ટી બહુ જ ગંભીરતાથી લઇ છીએ અને જે રીતે અમે એન્ટી સેમેટીઝમ માટે લેબર પાર્ટીમાં અને સમુદાયોમાં અભિગમ રાખીએ છીએ તેવો જ અભિગમ હિન્દુફોબિયા માટે પણ રાખીશું.’’

હાલની નબળી આર્થિક અર્થવ્યવસ્થા વિષે વાત કરતા સર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’આપણાં સમુદાયના લોકો, કામ કરીને કમાતા લોકો અને હું જાણું છું તેવા કેટલાક ભારતીય સમાજના લોકો ખૂબ જ ચિંતીત છે. કેમ કે ચીજ વસ્તુઓના ભાવો વધી રહ્યા છે, લોકો બિલ્સ ભરી શકતા નથી, મોરગેજની સ્થિતી ખરાબ છે અને તે લોકો માટે ખરેખર ચિંતાનું કારણ બની છે. ઘણાં બધા બિઝનેસીસને ખૂબ જ ઉંડેથી અસર થઇ છે. ગયા સપ્તાહે આપણે જોયું હતું કે સરકારે આખરે આત્મઘાતી કહેવાય તેવું મીની બજેટ રજૂ કર્યું હતું. જેના કારણે સ્થિતી સારી થવાના બદલે વધારે ખરાબ થઇ હતી. આ હાલત માટે કોઇ ઇન્ટરનેશનલ ઘટના કે રોગચાળો જવાબદાર ન હતો. હું માનુ છું કે તે ક્રાઇસીસ ડાઉનીંગ સ્ટ્રીટ દ્વારા ઉભી કરાઇ હતી. તે સ્થિતી એક માત્ર સરકાર દ્વારા લેવાયેલા રાજકીય નિર્ણયને કારણે પેદા થઇ હતી. ભારતીય સમુદાયે તે માટે ચુકવણી કરવી પડી હતી. કેમ કે તેઓ જ ઉંચા વ્યાજના દરે મોરગેજ મેળવી રહ્યા છે અને વધુ ઉંચી કિંમતો ચૂકવી રહ્યા છે. સરકારે અર્થતંત્ર પરનો કાબુ ગુમાવ્યો છે અને મારા મતે તે સંપૂર્ણપણે માફ કરી શકાય તેમ નથી.’’

દેશના અર્થતંત્રની ખરાબ હાલત અંગે ઉકેલ રજૂ કરતાં લેબર નેતા સર સ્ટર્મરે જણાવ્યું હતું કે ‘’અમે સત્તામાં આવીશું તો એનર્જી બિલ્સને ફ્રીજ કરીશું, સાથે સાથે એનર્જી કંપનીઓ જે વધારાનો નફો મેળવે છે કે લોકો સુધી વહેંચવા માટે પણ જણાવીશું. આ સરકાર બધું જ કામ દેવું લઇને કરે છે, જેનો અર્થ એ છે કે ટેક્સપેયર્સ, ભારતીય સમુદાયના લોકો, બિઝનેસીસ અને આગામી પેઢી તે દેવુ ચૂકવશે. પરંતુ તેના માટે ગયા સપ્તાહે અમે વિકાસ માટે એક યોજના ઘડી હતી જે અંતર્ગત અમે આખા દેશમાં અર્થતંત્રને ધબકતું કરવા માંગીએ છીએ, અમે ખાતરી રાખીશું કે તેનો ફરીથી વિકાસ થાય. હું હાલ સરકાર અર્થતંત્ર માટે જે અભિગમ અપનાવે છે તેને વખોડી કાઢું છું.’’

સર કેર સ્ટાર્મરે ખાસ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘’હિન્દુફોબીયાને હું અને લેબર પાર્ટી બહુ જ ગંભીરતાથી લઇ છીએ અને જે રીતે અમે એન્ટી સેમેટીઝમ માટે લેબર પાર્ટીમાં અને સમુદાયોમાં અભિગમ રાખીએ છીએ તેવો જ અભિગમ હિન્દુફોબિયા માટે પણ રાખીશું.’’

તેમાં ઉમેરો કરતા એમપી નવેન્દુ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘’એમપી સીમા મલ્હોત્રા, લંડન એસેમ્બલી મેમ્બર કૃપેશ હિરાણી અને અન્ય નેતાઓ અહિં છે ત્યારે હું એક બાબત પર ખાસ ભાર મૂકીશ કે સર સ્ટાર્મર પ્રથમ નેતા છે જેમણે હિન્દુફોબીયાનો ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને લેબર પાર્ટીના પહેલા નેતા તરીકે તેમણે જે ઉલ્લેખ કર્યો છે તે ખૂબ જ અગત્યતા ધરાવે છે. લેબર લીડરશીપ તરફથી આ માટે જે અભિગમ અપનાવાઇ રહ્યો છે તે એક બ્રિટીશ હિન્દુ એમપી તરીકે મારા માટે ખૂબ જ અગત્યનો છે.’’

નવેન્દુ શર્માએ જણાવ્યું હતું કે ‘’સર સ્ટાર્મરે ગયા વર્ષે નીસડન ટેમ્પલ અને કિંગ્સબરી ટેમ્પલની મુલાકાત લીધી હતી. તેમણે પોતે ત્યાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અહિં પણ આખા યુરોપના સૌથી મોટા ગરબા થઇ રહ્યા છે ત્યારે તેઓ અહિ પધાર્યા છે. તેઓ ક્રોલી મંદિરે પણ બે મહિના પહેલા ગયા હતા. આમ તેઓ ભારતીયો સાથે સંબંધો ગાઢ કરવા કટિબધ્ધ છે.’’

ભારતના વડા પ્રઘાન નરેન્દ્ર મોદી અને ભારત સાથેના સંબંધો અંગે સર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’ભારત એક લોકશાહી દેશ છે અને ભારતના લોકો જેમને પસંદ કરે તેમના ચૂંટી શકે છે. અમારા અને ભારતની સરકારના ખૂબ જ સારા સંબંધો છે જે સારી બાબત છે અને હું તે સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગુ છું. આર્થિક, સાસ્કૃતિક અને વેપાર ક્ષેત્રે ખૂબ જ અગત્યના સંબંધો હશે. લેબર પાર્ટી તરીકે અમે ભારત સાથે ખૂબ જ સારા સંબંધો માટે આતુર છીએ અને તેનું ઉદાહરણ આપું તો લેબર પાર્ટીના વેસ્ટયોર્કશાયરના મેટ્રો મેયર ટ્રેસી બ્રેબીન તાજેતરમાં જ ભારતના ટ્રેડ મિશન પર ટ્રેડ એન્વોય તરીકે ગયા હતા. જેનો હેતુ ભારત અને યોર્કશાયર વચ્ચેના વેપાર વિકાસને વધારવાનો હતો. આવી જ રીતે ટ્રેડ વધારવા વિવિધ શહેરોના મેયર્સ પણ પ્રતિબધ્ધ છે. માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે પણ આવી ગોઠવણ કરી છે. ટ્રેડ ખાસ અગત્યતા ધરાવે છે અને તેથી અમે આવી ટ્રેડ પાર્ટનરશીપ વધારવા માંગીએ છીએ. અમારા લેબર મેયર જે જે શહેરોમાં છે ત્યાં અમારો હેતુ ભારત સાથેના સંબંધો વધુ મજબૂત કરવાનો જ રહ્યો છે.’’

એનએચએસમાં વ્યાપેલા ઇન્સ્ટીટ્યુશનલ રેસીઝમ અંગે જવાબ આપતા સર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’રેસીઝમ કોઇ પણ સ્થળે હોય તે ચલાવી શકાય નહિં. તેથી જ અમે સરકારમાં આવીશું ત્યારે ઇન્સ્ટીટ્યુશનલ રેસીઝમ સામે કામ લેવા માટે કાયદો લાવીશું. આ માટે મેં પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.’’

LEAVE A REPLY

five × three =