Supreme court

ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે ફરી એક વાર જણાવ્યું હતું કે કે ધાર્મિક અને ભાષાકીય લઘુમતીનો દરજ્જો રાજ્યના આધારે નક્કી કરવો જોઇએ. જિલ્લા સ્તરે લઘુમતી નિર્ધારિત કરવાની માર્ગરેખાની માંગણી કરતી અરજી કાયદાથી વિરુદ્ધ છે. કારણ કે ધાર્મિક અને ભાષાના આધારે લઘુમતીનો દરજ્જો રાજ્યના આધારે નક્કી થવો જોઇએ.
કોર્ટે નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ (એનસીએમ) એક્ટ, ૧૯૯૨ની જોગવાઇને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને પણ ‘લઘુમતી’ની વ્યાખ્યા કરવા અને જિલ્લા સ્તરે લઘુમતીના નિર્ધારણની માર્ગરેખા તૈયાર કરવા આદેશ કર્યો હતો.

અગાઉ સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું હતું કે તમે એવા નક્કર ઉદાહરણ કે પુરાવા રજૂ કરો, જ્યાં કોઈ રાજ્ય વિશેષમાં ઓછી વસ્તી હોવા છતા હિન્દુઓને લઘુમતીના ઉચિત દરજ્જો માંગવા છતાં ન મળ્યો હોય. અરજી કરનાર તરફતી કોર્ટમાં રજૂ થયેલા વકીલ અરવિંદ દત્તારે કહ્યું હતું કે આ મામલો પહેલા પણ કોર્ટ તરફથી રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગને મોકલાઈ ચૂક્યો છે. તો કોર્ટે અલ્પસંખ્યક આયોગની રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. સુનાવણી દરમિયાન જસ્ટિસ યૂયૂ લલિતે કહ્યું કે જો કોઈ નક્કર ઉદાહરણ છે કે મિઝોરમ કે કાશ્મીરમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે, તો ત્યારે જ અમે આ મામલે વિચારણા કરીશું. કેમ કે અમારે એક નક્કર સ્થિતિ પ્રાપ્ત કરવી છે.