પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદના સંવેદનશીલ દરિયાપુર વિસ્તારમાં વીજળી કંપનીઓની ટીમ અને પોલીસ પર ગુરુવારે થયેલા પથ્થરમારામાં કંપનીના ચાર કર્મચારીઓ અને ત્રણ પોલીસ જવાના ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. જોકે કંપનીએ આ પથ્થરમારામાં તેના 17 કર્મચારી ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું.

દરિયાપુર વિસ્તારમાં વીજ ચોરીની ફરિયાદ બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર વીજ જોડાણ કાપવાની કાર્યવાહી દરમિયાન પથ્થરમારો થયો હતો. આ ઘટના દરિયાપુરના તંબુ ચોકી નજીક નગીના પોળમાં બની હતી. આ બનાવની જાણ થતાં અન્ય પોલીસ કાફલો બોલવવાની ફરજ પડી હતી. દરિયાપુરમાં પથ્થરમારાની ઘટનાનો વિવાદ વકરતા વધુ પોલીસને ઘટનાસ્થળે હાજર રાખવામાં આવી છે. પોલીસ દ્વારા હુમલો કરનાર સામે ગુનો નોંધીને તેમની સામે કાર્યવાહી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વધુ મળતી માહિતી મુજબ, મામલો થાળે પાડવા સ્થાનિક નેતાની મદદ લેવામાં આવી હતી.