સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શનિવારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે આયોજીત નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ‘પરાક્રમ દિન’ તરીકેની ઉજવણીના અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી સાથે આઝાદીકાળથી દેશના અગ્રગણ્ય નેતાઓનો ગાઢ નાતો જોડાયેલો છે. હરિપુરા સાથે સુભાષચંદ્ર બોઝ, બારડોલી સાથે સરદાર પટેલ અને અને દાંડી સાથે ગાંધીજીની ગૌરવભરી યાદોથી ગુજરાતીઓ ગર્વ અનુભવે છે. હરિપુરામાં સુભાષબાબુના પગલાથી બારડોલી તાલુકા માટે જ નહિ, પણ રાજ્ય માટે ગર્વની ક્ષણ છે.
મુખ્યમંત્રીએ હરિપુરાના ચોકમાં સુભાષબાબુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ ગામમાં સુભાષબાબુના સમારકની મુલાકાત લઈ ૬૮ જેટલા ચિત્રોના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. ગ્રામજનો અને કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું શણગારેલા ૫૧ બળદો જોડીને પરંપરાગત આદિવાસી નૃત્યો સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. જાજરમાન બળદગાડામાં સવાર થઈને મુખ્યમંત્રીશ્રીએ અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝે ‘તુમ મુજે ખુન દો, મે તુમ્હે આઝાદી દુંગા’ના નારા સાથે અંગ્રેજો સામે જંગ છેડયો હતો. ‘જીવીશુ તો દેશ માટે, મરીશુ તો દેશ માટે’ના જીવનમંત્ર સાથે સુભાષબાબુએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું તેમ જણાવી મુખ્યમંત્રીએ સુભાષબાબુ જીવતા હોત તો ઈઝરાઈયલની જેમ સમગ્ર દેશ માથુ ઉચુ કરીને જીવી રહ્યો હોત એમ ગૌરવથી જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભારત અખંડ રહે, ભાગલા ન પડે અને ૯૦ ટકા લોકોને શિક્ષણ મળે તેવું સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન હતું જેને સમય જતા કોંગ્રેસે ભુલાવી દીધુ હતું. તે સમયે જવાહરલાલ નહેરૂ કરતા સુભાષચંદ્ર બોઝની લોકપ્રિયતા વધુ હતી પણ કોગ્રેસના નેતાઓએ સુભાષબાબુને હાંસિયામાં ધકેલવાનું કામ કર્યું હતું.
બારડોલીના હરિપુરા ગામમાં વર્ષ ૧૯૩૮માં સુભાષબાબુનાં આગમન વેળાના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ૫૧માં અધિવેશનના આયોજન અને વ્યવસ્થાની સમગ્ર જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળી હતી. સરદાર પટેલે અધિવેશન સ્થળનું નામ ‘વિઠ્ઠલનગર’ રાખ્યું હતું. ૫૧ શણગારેલા બળદગાડાં સાથે હરિપુરાથી વિઠ્ઠલનગર સુધી સુભાષચંદ્ર બોઝનું સરઘસ કાઢીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટિલે સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું કે, સુભાષચંદ્ર બોઝ સાથે હરિપુરા ગામનું નામ ઈતિહાસમાં અંકિત થઈ ગયું છે. અખંડ ભારતના હિમાયતી મહાવીર સુભાષબાબુએ ‘જય હિંદ’ના નારા સાથે અંગ્રેજોને હંફાવ્યા હતા. તેમણે ભરેલા આક્રમક પગલાથી ગુલામીની બેડીમાં જકડાયેલા દેશવાસીઓ અને નવલોહિયા યુવાનોમાં નવો પ્રાણ ફૂંકાયો હતો.
સમારોહમાં મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરક જીવનગાથા અને સંગ્રહિત અલભ્ય પત્રોની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.