‘ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજનાને તેના પહેલા અઠવાડિયામાં જ નોંધપાત્ર સફળતા મળી છે અને તેને કારણે રેસ્ટોરંટના બુકિંગમાં મોટો તફાવત આવ્યો છે. અડધા ભાવે ભોજન મળતું હોવાના કારણે લોકો તેમના ઘરની બહાર નીકળવા માટે પ્રોત્સાહિત થયા હતા અને આ અઠવાડિયે કપરા સમયમાં રેસ્ટોરન્ટ્સ અને પબ્સે ખૂબ જ જરૂરી એવી ઉત્થાનનો આનંદ માણ્યો હતો.
આ અઠવાડિયે શરૂ થયેલી ‘ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજનામાં 73,000થી વધુ રેસ્ટોરન્ટ્સે સાઇન અપ કર્યું છે અને તેઓ સોમવારથી બુધવાર સુધી આખા ઓગસ્ટ માસ દરમિયાન તેમના ફૂડ બિલ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. વ્યક્તિદીઠ વધુમાં વધુ £10 પાઉન્ડનું ડિસ્કાઉન્ટ મળશે.
સ્ટેક ચેઇન હોક્સમૂરના સહ-સ્થાપક વિલ બેકેટે જણાવ્યું હતું કે ‘લોકોની જોરદાર માંગ રહી છે. ઑગસ્ટ દરમ્યાન 13 દિવસ માટે લગભગ 15,500નું બુકિંગ મળ્યું છે અને અમે ખરેખર તેનાથી ઉત્સુક છીએ.”
એક મોટી પબ ચેઇનના બોસ કહે છે કે તેઓ આ યોજનાના પરિણામ રૂપે બુકિંગમાં ડબલ અંકનો વધારો જોવાની અપેક્ષા રાખે છે. સુપરમાર્કેટ મોરિસન્સે આ યોજના આખા અઠવાડિયાના બધા દિવસ માટે તેની કાફેમાં લાગુ કરી છે અને ગુરૂવારથી રવિવાર સુધી ડિસ્કાઉન્ટમાં સબસિડી આપનાર છે. વ્હાઇટબ્રેડે તેની રેસ્ટોરન્ટમાંથી £10ની કેપ કાઢી નાંખી છે અને આખા બિલ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.














