(Photo by Justin Sullivan/Getty Images)

પુખ્ત વયના લોકોને વધુ સારું ખાવા, વજન ઓછું કરવા અને સક્રિય થવા માટે પ્રોત્સાહન આપવા પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ)એ એક મોટુ અને નવુ એડલ્ટ હેલ્થ કેમ્પેઇન ‘બેટર હેલ્થ’ શરૂ કર્યું છે.

તંદુરસ્ત આહાર લેવાથી અને વધુ કસરત કરવાથી દરેક વ્યક્તિ લાભ મેળવી શકે છે. ડેટા દર્શાવે છે કે 16.3% એશિયન પુરુષો અને 23.6% એશિયન મહિલાઓ મેદસ્વીપણા સાથે જીવે છે, જેનાથી તેમને કેન્સર, હ્રદયરોગ, ડાયાબિટીસ અને હવે કોવીડ-19 સહિતના રોગો થવાનું જોખમ વધારે છે. મેદસ્વી લોકોની ગંભીર રીતે બીમાર થવાની અને કોવિડ-19 સાથે ICUમાં દાખલ કરવાની સંભાવના વધુ છે.

બેટર હેલ્થ કેમ્પેન અંતર્ગત દક્ષિણ એશિયન, શ્યામ આફ્રિકન અને શ્યામ કેરેબિયન પર લક્ષ્ય અપાઇ રહ્યું છે અને લોકોને વજન ઘટાડવા માટે સહાય કરાશે, માહિતી અને સલાહ આપશે. તેમાં નવી 12-અઠવાડિયાની એનએચએસ વજન ઘટાડવાની યોજનાનો સમાવેશ થાય છે, જે ઑનલાઇન અને નવી એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ છે. જે કસરત અને આરોગ્યપ્રદ ખોરાકના વિકલ્પો આપે છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના લંડનના રિજનલ ડિરેક્ટર પ્રોફેસર કેવિન ફેન્ટન જણાવે છે કે

“વજન ધીરે ધીરે વધે છે અને તે એક વિચિત્ર અનિચ્છનીય આદત બને છે. પરંતુ વધારાનું વજન આપણા શરીર પર દબાણ લાવી કોવિડ-19 સહિતના ગંભીર રોગો સામે લડવાની આપણી શક્તિને ઘટાડે છે. કોવિડ-19એ આપણું સ્વાસ્થ્ય પાટા પર પાછું મેળવવા માટે વેક-અપ કોલ આપ્યો છે. બેટર હેલ્થ કેમ્પેઇન સ્વસ્થ વજન જાળવવામાં મદદ કરશે.”

સાઉથ એશિયન હેલ્થ ફાઉન્ડેશનના ડાયાબિટીસ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ પ્રોફેસર વસીમ હનીફ કહે છે કે “દક્ષિણ એશિયાઈ સમુદાયમાં પહેલેથી જ ઘણી ગંભીર આરોગ્ય પરિસ્થિતિઓનો સંભાવના રહેલી છે. ટાઇપ-2 ડાયાબિટીઝ, હ્રદયરોગ અને હવે કોરોનાવાયરસની બીમારી મેદસ્વી હોવાને લીધે વધી જાય છે.”

ટીવી ડોક્ટર રંજ સિંગ કહે છે કે “વધારે વજન અથવા મેદસ્વીપણું જટિલ મુદ્દો છે. તેનો બધાએ સાથે મળીને ઉકેલી લેવાની જરૂર છે. મેદસ્વી અથવા વધુ વજનવાળા હોવાના કારણે તમારા સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર પડે છે. હું એશિયન સમુદાયના લોકોને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા અને તેમના ગંભીર રોગના જોખમને ઘટાડવામાં મદદ કરવા માટે આ વેબસાઇટની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરું છું.”

પીએચઇ એક નવી ફિલ્મ પણ રજૂ કરી રહ્યું છે જેમાં સમજાવાયું છે કે વજન કેવી રીતે વધે છે, તેની શરીર પર કેવી અસર પડે છે અને ગંભીર રોગોનું જોખમ કેવી રીતે વધે છે. બેટર હેલ્થ કેમ્પેઇન ફિલ્મ ઑનલાઇન ઉપલબ્ધ છે. શ્યામ અને સાઉથ એશિયન સમુદાયોમાં 55-74 વર્ષની વયના અને વંચિત વિસ્તારોમાં રહેતા લોકોમાં વધુ વજન જોવા મળે છે.

નિ:શુલ્ક સાધનો અને તંદુરસ્ત જીવનશૈલી માટે જુઓ : nhs.uk/betterhealth