બ્રિટનમાં વડાપ્રધાન પદ માટે રિશિ સુનક અને લિઝ ટ્રુસ સ્પર્ધા જામી છે ત્યારે છે ત્યારે તેમને નીતિઓ અંગે ટોરી સભ્યોની ટિકાઓનો સામનો કરવો પડ્યો છે. આ બંને નેતાઓએ ગુરુવારે રાત્રે નોર્થ ઇંગ્લેન્ડના લીડ્ઝમાં કન્ઝર્વેટિવ પાર્ટીના કટ્ટરપંથી સાંસદો (ટોરી સભ્યો)ને સંબોધિત કર્યા હતા. આ સભ્યો પણ ચૂંટણીમાં મતદાન કરશે. ટોરી સભ્યએ આ મહિનાની શરૂઆતમાં ચાન્સેલર પદ છોડવાના સુનકના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો. તેના પર આરોપ લગાવ્યો કે, તેમણે તેના ભૂતપૂર્વ ‘બોસ’ની સાથે ગદ્દારી કરી છે. વેસ્ટ યોર્કશાયરના ટોરી સભ્યએ કહ્યું, ‘તમે સારા સેલ્સમેન છો અને તમારામાં ઘણા ગુણો છે. આમ છતાં ઘણા લોકો બોરિસ જોન્સનને સમર્થન આપતા રહેશે.
ઘણા લોકોએ જોયું છે કે તમે તેમની સાથે ગદ્દારી કરી છે. જ્યારે તેમણે જ તમને આ રાજનેતા બનાવ્યા છે અને કેટલાક લોકો તમને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પણ જોવા ઇચ્છતા નથી. આવા આક્ષેપોના જવાબમાં રિશિ સુનકે કહ્યું કે, ‘મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કારણ કે, દેશની આર્થિક સ્થિતિ પર તેમની સાથે ઊંડા મતભેદો હતા. ખાસ કરીને એવા સમયે જ્યારે અર્થવ્યવસ્થા વાસ્તવિક પડકારોનો સામનો કરી રહી છે. એટલા માટે મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
સુનક કરતા ટ્રુસને ટોરી સભ્યોનું વધુ સમર્થન છે. આ સાંસદો હવે બેલેટ પેપર દ્વારા તેમની પસંદગીના ઉમેદવારને મત આપશે. રિશિ સુનકને એવા મતદારો સમર્થન આપી રહ્યા છે જેમણે 2019ની સામાન્ય ચૂંટણીમાં પ્રથમવાર કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપ્યો હતો. રિશિ સુનકે સ્વીકાર્યું છે કે તેઓ વડાપ્રધાનપદની સ્પર્ધામાં નબળા પડી રહ્યા છે. જોકે, આ દરમિયાન તેમણે એક-એક વોટ મેળવવાનું વચન આપ્યું છે. ગુરુવારે બંને નેતાઓએ લીડ્ઝમાં તેમના પ્રથમ સત્તાવાર ટોરી નેતૃત્વને સંબોધિત કર્યું. ઉલ્લેખનીય છે કે, આ સભ્યો પણ ટૂંક સમયમાં ચૂંટણીમાં મતદાન કરશે.
બ્રિટનના નવા વડા પ્રધાન કોણ બનશે તેના પરિણામો 5 સપ્ટેમ્બરે જાહેર થશે અને ટ્રુસે તાત્કાલિક ટેક્સ કાપના વચન આપ્યા પછી ટોરી સભ્યોના સર્વેક્ષણમાં મજબૂત સરસાઇ મેળવી છે. સટ્ટાબાજીની એક્સચેન્જ ફર્મ- Smarkets અનુસાર, ટ્રુસ કન્ઝર્વેટિવ પાર્ટીનાં વડાં અને વડાંપ્રધાન બને તેવી 90 ટકા સંભાવના છે.