વડા પ્રધાન અને ટોરી પક્ષના નેતાની પસંદગીના ટોરી સાંસદોના બીજા રાઉન્ડના મતદાનમાં સૌથી વધુ 101 મતો મેળવીને ઋષિ સુનક આજે ટોચ પર રહ્યા હતા. જ્યારે ભારતીય મૂળના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન સૌથી ઓછા 27 (પહેલા રાઉન્ડ કરતા 5 મત ઓછા) મતો મળતા સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા હતા. પેની મોર્ડન્ટે 83 મત મેળવીને બીજો ક્રમ જાળવી રાખ્યો હતો.

બેકબેન્ચ ટોરી સાંસદોની 1922 સમિતિના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રેડીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે બીજા રાઉન્ડના મતદાનમાં જે પાંચ ઉમેદવારોએ સ્થાન મેળવ્યું છે તે નીચે મુજબ છે.

  • ઋષિ સુનક – 101 મત (પહેલા રાઉન્ડ કરતા 13 મત વધ્યા)
  • પેની મોર્ડાઉન્ટ – 83 મત (પહેલા રાઉન્ડ કરતા 16 મત વધ્યા)
  • લિઝ ટ્રસ – 64 મત (પહેલા રાઉન્ડ કરતા 14 મત વધ્યા)
  • કેમી બેડેનોચ – 49 મત (પહેલા રાઉન્ડ કરતા 9 મત વધ્યા)
  • ટોમ ટૂગેન્ધાત – 32 મત (પહેલા રાઉન્ડ કરતા 5 મત ઘટ્યા)

એટર્ની જનરલ સુએલાએ યુકેને યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સના અધિકારક્ષેત્રમાંથી બહાર લઈ જવા, એનર્જી પરનો VAT દર ઘટાડવા અને રેગ્યુલેશન ઘટાડવાનું વચન આપ્યું હતું. બ્રેવરમેને પોતાની જાતને એકમાત્ર “અધિકૃત” બ્રેક્ઝિટ ઉમેદવાર ગણાવી એ હકીકત પર ધ્યાન દોર્યું હતું કે તેણીએ બ્રેક્ઝીટ ડીલ અંગે થેરેસા મેની સરકારમાંથી બ્રેક્ઝિટ મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું. ભૂતપૂર્વ બેરિસ્ટર સુએલા 2015થી હેમ્પશાયરના ફરહમના સાંસદ તરીકે સેવા આપે છે અને 2020માં જ્યોફ્રી કોક્સની જગ્યાએ એટર્ની જનરલ તરીકે વરાયા હતા.

પહેલા રાઉન્ડમાં તા. 13ના રોજ ભૂતપૂર્વ ચાન્સેલર સુનકને 88 મતો અને મોર્ડન્ટને 67 મતો મળ્યા હતા. જ્યારે નદિમ જહાવી અને જેરેમી હન્ટ ઓછા મત મળતા સ્પર્ધામાંથી નીકળી ગયા હતા.

ફોરેન સેક્રેટરી ટ્રસે જણાવ્યું હતું કે તેઓ પહેલા દિવસથી જ પીએમ બનવા માટે તૈયાર છે અને તેમની ઝુંબેશ વેગ પકડવાનો પ્રયાસ કરી રહી છે.

સુનકે પોતાના સામે થતાં દુષ્પ્રચારનો બચાવ કરતા કહ્યું હતું કે તેમની પાસે સંપત્તિ છે તેનો અર્થ એ નથી કે તેઓ સામાન્ય લોકોના નાણાકીય સંઘર્ષને સમજી શકતા નથી.