Rami-Ranger-sunak

બ્રિટીશ ઉદ્યોગપતિ, સન માર્ક કંપનીના માલિક અને કોન્ઝર્વેટીવ પક્ષને £1.54 મિલિયનનું દાન આપનાર લોર્ડ રેમી રેન્જરે ચેતવણી આપી છે કે જો ટોરી પક્ષના સભ્યો ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને પક્ષના નેતા તરીકે પસંદ નહીં કરે અને તેમને નકારશે, તો તે પક્ષ અને દેશ માટે ખરાબ છાપ ઉભી કરશે અને યુકેને “રેસીસ્ટ” દેશ તરીકે જોવામાં આવશે. જો કે, સુનક અને તેમના પ્રવક્તાએ કહ્યું હતું કે “આ દાવામાં સત્યનો અંશ પણ નથી”.

લોર્ડ રેન્જરે ભારતીય ન્યૂઝ નેટવર્ક ‘ભારત તક’ને કહ્યું હતું કે “કોન્ઝર્વેટિવ પક્ષના લોકો પર એવું સાબિત કરવા માટે દબાણ ઉભુ થયું છે કે અહીં યુકેમાં જે તે નેતાની જાતીથી કોઈ ફરક પડતો નથી. હું આશાવાદી છું કે અહીંના લોકો ન્યાયી રહેશે અને જાતિના આધારે કોઈને નકારશે નહીં.”

તેમણે સુનક માટે મજબૂત પિચ બનાવી વડા પ્રધાન પદ માટે સુનકનું “કેલિબર દરેકથી ઉપર છે” એવો અભિપ્રાય આપ્યો હતો.

તેમણે ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં જણાવ્યું હતું કે તે “બ્રિટિશ રાજકારણમાં આ એની ‘વોટરશેડ’ ક્ષણ હશે જ્યારે એક અશ્વેત ઉમેદવાર સાબિત કરશે કે તેમનો દેશ પરિવર્તન માટે તૈયાર છે”.

ઈનસાઈડર વેબસાઈટને મોકલેલા એક ઈમેલમાં તેમણે કહ્યું હતું કે “જો મોટા ભાગના સભ્યો ઋષિ સુનકને જબરજસ્ત રીતે નકારશે તો તે વંશીય સમુદાયોના લોકોના મનમાં નકારાત્મક ધારણા ઉભી કરશે”.

પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકે રવિવારે ‘ધ ડેઈલી ટેલિગ્રાફ’ને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘’બ્રિટિશ વડા પ્રધાન અને પક્ષના નેતા માટે મત આપવાના કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યપદના નિર્ણયમાં જાતિવાદ એક પરિબળ નથી. મને બિલકુલ નથી લાગતું કે તે કોઈના નિર્ણયમાં આ પરિબળ ભાગ ભજવે છે અને તે યોગ્ય પણ નથી. અમારા સભ્યો યોગ્ય રીતે યોગ્યતાને દરેક બાબતથી ઉપર રાખે છે. મને ખાતરી છે કે જ્યારે તેઓ આ પ્રશ્ન પર વિચારી રહ્યા છે, ત્યારે તેઓ માત્ર એ જ શોધી રહ્યા છે કે વડાપ્રધાન બનવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ કોણ છે… લિંગ , વંશીયતા અને અન્ય દરેક બાબતને તેની સાથે કોઈ લેવાદેવા નથી.”