IMAGE VIA @NASA POSTED ON MONDAY, MAY 6, 2024. (PTI Photo)

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને ત્રીજી વખત અવકાશમાં લઈ જનાર બોઈંગ સ્ટારલાઈનરનું લોન્ચિંગ ટેકનિકલ ખામીને કારણે છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું અને લોન્ચ માટે કોઇ નવી તારીખની જાહેરાત કરાઈ ન હતી. અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ મંગળવાર, 7મેએ ત્રીજી વખત બોઇંગના સ્ટારલાઇનર નામના નવા અવકાશનયાનમાં પાયલટ બનીને ઉડાન ભરવાના હતા. બોઇંગ સ્ટારલાઇનર ફ્લોરિડાના કેપ કેનાવેરલના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય અનુસાર સવારે 8.04 વાગ્યે ઉપડવાનું હતું, પરંતુ ઉડાનના માત્ર 90 મિનિટ પહેલા તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું.

આ સ્ટારલાઇનર 58 વર્ષના સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જવાના હતા. બોઇંગના સ્ટારલાઇનની આ પ્રથમ સમાનવ ટેસ્ટ ફ્લાઇટ હતી.

અવકાશયાનના વિકાસમાં અવરોધોને કારણે આ મિશનમાં ઘણા વર્ષોનો વિલંબ થયો હતો. જો તે સફળ થયું હોત તો તે ઇલોન મસ્કના સ્પેસએક્સ પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધી ક્રુ મેમ્બરને લઇ જનારી બોઇંગ બીજી ખાનગી કંપની બની હતી. સ્પેસએક્સ અને બોઇંગે નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ હેઠળ પોતપોતાના અવકાશયાન વિકસાવ્યા છે.

નાસાએ 1998માં અવકાશયાત્રી તરીકે સુનીતા વિલિયમ્સની પસંદગી કરી હતી. તેમની પાસે બે સ્પેસ મિશનનો અનુભવ છે. આ સ્પેસ મિશનમાં 11 ડિસેમ્બર 2006ના એક્સપિડિશન 14/15 અને 14 જુલાઈ, 2012ના એક્સપિડિશન 32/33નો સમાવેશ થાય છે. તેમણે એક્સપિડિશન 32માં ફ્લાઈટ એન્જિનિયર અને પછી એક્સપિડિશન 33માં કમાન્ડર તરીકે સેવા આપી હતી.

સુનીતા વિલિયમ્સ કુલ 29 કલાક અને 17 મિનિટના ચાર સ્પેસવોક કરીને સૌથી વધુ સ્પેસવોક કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી. 2008માં અવકાશયાત્રી પેગી વ્હીટસને કુલ પાંચ સ્પેસવોક સાથે આ રેકોર્ડ તોડ્યો હતો. વિલિયમ્સે પરિભ્રમણ કરતી પ્રયોગશાળામાં ચાર મહિલા સુધી સંશોધન કાર્ય કર્યું હતું. બીજા મિશનમાં 127 દિવસ અવકાશમાં વિતાવ્યા બાદ તેઓ 18 નવેમ્બર, 2012ના રોજ કઝાકિસ્તાનમાં ઉતર્યા હતાં.

વિલિયમ્સનો જન્મ ઓહાયોના યુક્લિડયોમાં ઇન્ડિયન-અમેરિકન ન્યુરોએનાટોમિસ્ટ દીપક પંડ્યા અને સ્લોવેન-અમેરિકન ઉર્સુલિન બોની (ઝાલોકર) પંડ્યાને ત્યાં થયો હતો. તેમણે યુએસ નેવલ એકેડેમીમાંથી ભૌતિક વિજ્ઞાનની ડિગ્રી અને ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી છે.

LEAVE A REPLY

17 + eleven =