ડોમીનન્ટ મ્યુટેટેડ ઈન્ફલ્યુએન્ઝા A(H3N2) સ્ટ્રેન એટલે કે સુપર ફ્લૂ અને અન્ય વિન્ટર વાયરસમાં થયેલા તીવ્ર વધારાના કારણે સમગ્ર ઈંગ્લેન્ડમાં આવેલી હોસ્પિટલો અને એક્સીડેન્ટ અને ઇમરજન્સી વિભાગોમાં દર્દીઓનો ભરાવો થાય અને એમ્બ્યુલન્સ સેવાઓ પર અભૂતપૂર્વ દબાણ આવે તેવી શક્યતાઓને પારખીને NHSના અગ્રણી લીડર્સે સૌને તકેગારી રાખવા અને શક્ય હોય તો ફ્લુની રસી લેવા અપીલ કરી છે. નોરોવાયરસના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે, જે 35 ટકા વધીને સરેરાશ 354 દર્દીઓ પ્રતિ દિવસ છે.
NHS પ્રોવાઈડર્સના ચીફ એક્ઝિક્યુટિવ ડેનિયલ એલ્કેલ્સે શરદી અથવા ફ્લૂના લક્ષણો ધરાવતા લોકોને ટ્રાન્સમિશન ઘટાડવા માટે જાહેરમાં ફેસ માસ્ક પહેરવાનું સૌને આહ્વાન કર્યું છે, અને ચેતવણી આપી છે કે “ફ્લૂનો ખૂબ જ ખરાબ સ્ટ્રેન” સામાન્ય કરતાં વહેલો ફેલાશે.
NHS નેશનલ મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર મેઘના પંડિતે જણાવ્યું હતું કે સ્ટાફને “મર્યાદા સુધી ધકેલવામાં આવી રહ્યો છે” કારણ કે NHS અત્યંત પડકારજનક શિયાળા માટે તૈયાર છે. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે ચિંતાઓનો પડઘો પાડી “ફ્લૂની ભરતીના મોજા”નું વર્ણન કરી ડોકટરો અને યુનિયનોને NHS માટે વર્ષના સૌથી ખતરનાક સમય દરમિયાન હડતાળ ટાળવા વિનંતી કરી હતી.
નવા આંકડા દર્શાવે છે કે ફ્લૂના કારણે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં ફક્ત એક જ અઠવાડિયામાં અડધાથી વધુ દર્દોનો વધારો થયો છે. ફ્લુના કારણે દેશભરમાં દરરોજ સરેરાશ 2,660 દર્દીઓ હોસ્પિટલના પલંગ પર કબજો કરે છે, જે વર્ષના આ સમય માટે અત્યાર સુધીનો સૌથી વધુ સ્તર છે.
NHS ના વડાઓ ચેતવણી આપે છે કે ડેટા એકત્રિત કરવામાં આવ્યો ત્યારથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને ફ્લુના ચેપના ફેલાવાની હજુ સુધી કોઈ સ્પષ્ટ ટોચ દેખાતી નથી.
ગયા નવેમ્બરમાં A&Eમાં દર્દીઓની હાજરી 2.35 મિલિયનના રેકોર્ડને સ્પર્શી ગઈ હતી. જ્યારે એમ્બ્યુલન્સ મંગાવવાના બનાવો ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં લગભગ 49,000 વધી ગયા હતા.
તા. 17થી 22 ડિસેમ્બર સુધીમાં હજારો રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર જવાના હોવાથી આ દબાણ આવી રહ્યું છે, જેના કારણે ક્રિસમસ પહેલા દર્દીઓની સંભાળમાં વિક્ષેપ પડવાની આશંકા છે.
NHS નેતાઓએ જનતાને ફ્લૂની રસી લેવાની વિનંતી કરી છે, આ સિઝનમાં 17.4 મિલીયન પહેલાથી જ ફ્લુની રસી લઈ ચૂક્યા છે – જે ગયા વર્ષ કરતા વધુ છે. 60,000થી વધુ ફ્રન્ટલાઈન સ્ટાફને પણ રસી આપવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓ કહે છે કે ડોમીનન્ટ મ્યુટેટેડ ઈન્ફલ્યુએન્ઝા A(H3N2) સ્ટ્રેન સામે ફ્લુનું રસીકરણ એ શ્રેષ્ઠ બચાવ છે, જેને ઘણીવાર “સુપર ફ્લૂ” તરીકે ઓળખવામાં આવે છે.














