દિવાળી
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દિવાળીના ઉત્સવો પહેલા ફટાકડા પરના સંપૂર્ણ પ્રતિબંધને હળવા કરતાં સુપ્રીમ કોર્ટે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં તહેવાર દરમિયાન આકરી શરતો સાથે ગ્રીન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી આપી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે દિવાળીના આગલા દિવસે અને તહેવારના દિવસે સવારે 6:00થી 7:00 અને રાત્રે 8:00થી 10:00 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.

18થી 20 ઓક્ટોબર દરમિયાન ગ્રીન ફટાકડાનું વેચાણ પણ કરી શકશે. કોર્ટે પર્યાવરણની ચિંતાઓ તથા પરંપરાઓ વચ્ચે સંતુલન જાળવી રાખવાની તરફેણ કરી હતી. જોકે કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ છૂટ ફક્ત ટેસ્ટ કેસ આધારિત છે અને તે ફક્ત ઉલ્લેખિત સમયગાળા માટે જ રહેશે.

2024માં દિલ્હી સરકારે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધને હળવા કરવાની ગ્રીન ફટાકડા ઉત્પાદકોએ શ્રેણીબદ્ધ અરજી કરી હતી. આ અરજીઓને કેન્દ્ર અને દિલ્હી સરકારે સંયુક્ત રીતે સમર્થન આપ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રન બનેલી ખંડપીઠે આ અરજીઓને મંજૂરી આપી હતી.

અગાઉ દિવાળીના ઉત્સવો પહેલા ફટાકડા ફોડવા પરના સંપૂર્ણ પ્રતિબંધને હળવો કરવાનો સ્પષ્ટ સંકેત આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારુ કે આદર્શ નથી. સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ફટાકડાનો ઉપયોગ ચાલુ છે. આવા આત્યંતિક આદેશો સમસ્યાઓ ઊભી કરે છે અને સંતુલન જરૂરી છે.
સંપૂર્ણ પ્રતિબંધને હટાવવાની જોરદાર રજૂઆત કરતાં કેન્દ્ર, NCR વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે બાળકોને દિવાળી અને અન્ય તહેવારો પર કોઈપણ સમય નિયંત્રણો વગર ફટાકડા ફોડવાની મંજૂરી આપવી જોઈએ. બાળકોને બે દિવસ ઉજવણી કરવા દો. તે ફક્ત દિવાળી, ગુરુપુરબ અને નાતાલ જેવા તહેવારો માટે છે. મારી અંદરનું બાળક ન્યાયાધીશમાં રહેલા બાળકને સમજાવી રહ્યું છે અને થોડા દિવસો માટે કોઈ સમય પ્રતિબંધ ન હોવો જોઈએ.

 

LEAVE A REPLY