સુરતમાં મંગળવાર, 6 એપ્રિલ 2021ના લોકોએ સરકારના આરોગ્ય રથમાંથી દવા લેવા માટે લાંબી લાઇનો લગાવી હતી. (PTI Photo)

સુરતમાં કોરોનાના કેસોમાં જંગી વધારાથી સ્થિતિ ગંભીર બની રહી છે. શહેરની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે અને ઓક્સિજનની અછત ઊભી થઈ છે.

સરકારી ચોપડે જે આંકડે દર્શાવામાં આવે છે તેના કરતા વાસ્તવીક આંકડાઓ તો ખુબ જ અલગ છે. હાલમાં સુરતમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં બેડ જ ખાલી નથી. શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે ઓક્સિજનનો પુરવઠો ખૂટી રહ્યો છે. ઓક્સિજનની જરૂરિયાત છે તેની સામે માત્ર અડધો જ પુરવઠો ઉપલબ્ધ છે.

સુરત શહેરમાં ઓક્સિજન એક સપ્લાયરના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ સામાન્ય હતી ત્યારે રોજ 20 ટન જેટલો ઓક્સિજન પુરવઠો સપ્લાય કરવામાં આવતો હતો. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોજ 200 ટનથી વધુ ઓક્સિજન પુરવઠાની માગ રહે છે. આની સામે આશરે 100 ટન ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે. ઓક્સિજનની માગ દસ ગણી વધી ગઈ છે.

શહેરની મુખ્ય સ્મીમેર હોસ્પિટલમાં રોજના 20 થી 25 ટન ઓક્સિજન પુરવઠો આપવામાં આવે છે, જ્યારે નવી સિવિલમાં રોજના 35 થી 40 ટન ઓક્સિજન પુરવઠો આપવામાં આવે છે. ઓક્સિજન સ્ટોરેજ માટે મોટી ટેન્ક બનાવવામાં આવી છે. એટલે ત્યાં પુરવઠો સપ્લાય કરવો સરળ રહે છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરવામાં આવે છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય દિવસોમાં રોજના 7 ક્યુબિક મીટરના 300 થી 400 ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરવામાં આવતા હતા. હવે રોજના 5000 થી વધુ ઓક્સિજન સિલિન્ડરની માગ રહે છે.