(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

પીઢ અભિનેત્રી તબ્બુએ ફિલ્મી કારકિર્દીના ૩૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તેણે વર્ષ 1985માં બાળકલાકાર તરીકે ફિલ્મ નૌ જવાનમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે દેવઆનંદની પુત્રીની ભૂમિકા ભજવી હતી. પરંતુ હિરોઇન તરીકે તેની પ્રથમ ફિલ્મ તેલુગુમાં આવેલી કુલી નંબર વન હતી. આ ફિલ્મમાં તેણે વેંકટેશ દગ્ગુબાતી સાથે કામ કામ કર્યું હતું.

તબ્બુએ આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોતાની પ્રથમ ફિલ્મનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે લખ્યું છે કે, અવિશ્વસનીય અને ઉત્સાહિત કરનારી વાત છે કે, ૩૦ વર્ષ અગાઉ મારી પ્રથમ ફિલ્મ કુલી નંબર વન રિલીઝ થઇ હતી.આજે હું એ દિવસ યાદ કરીને લાગણીસભર બની ગઇ છું અને ગર્વ અનુભવી રહી છું. આ ફિલ્મના રિલીઝના ત્રણ વર્ષ પછી મેં બોલીવૂડમાં ફિલ્મ વિજયપથથી ડેબ્યુ કર્યું હતું જેમાં મારી ઓપોઝિટ અજય દેવગણ હતો.

તબ્બુએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણા એવોર્ડસ મેળવ્યા છે. તેની લોકપ્રિય ફિલ્મોમાં માચિસ, વિરાસત, હૂતૂતૂ, અસ્તિત્વ, ચાંદની બાર, મકબૂલ, ચીની કમ, ધ નેમસેક, હૈદર અને દ્રશ્યમ જેવી ફિલ્મોનો સમાવેશ છે.તબ્બુની અંગત લાઇફની વાત કરીએ તો તે દિગ્દર્શક સાજિદ નડિયાદવાળાને ડેટ કરી ચુકી છે.

સાઉથના સ્ટાર નાગાર્જુન સાથે પણ તબ્બુનું નામ જોડાયું છે. જોકે નાગાર્જુન પરિણિત હતો અને તે પત્નીને છૂટાછેડા આપવા માટે તૈયાર ન હોવાથી તબુ તેનાથી દૂર થઇ ગઇ હતી અને આજે પણ તે અપરિણિત જ છે.