પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અબુ ધાબીએ મંગળવારથી નવા બિઝનેસની સ્થાપના માટેના ખર્ચમાં 90 ટકાથી વધુ ઘટાડો કર્યો છે. આંતરાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે અમિરાતની સ્પર્ધાત્મકતામાં વધારો કરવા માટે આ મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તાજેતરના સપ્તાહોમાં સત્તાવાાળાએ અબુ ધાબીમાં નવા બિઝનેસ આકર્ષવા માટેના પ્રયાસોને તેજ કર્યા છે. ક્રૂડ ઓઇલ આધારિત અર્થતંત્ર પરના અવલંબનમાં ઘટાડો કરવા યુએઇમાં કોર્પોરેટ ટેક્સ લગભગ શુન્ય છે.

અબુ ધાબી ગવર્નમેન્ટ મીડિયા ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અબુ ધાબીમાં બિઝનેસના સ્થાપનાની ફી ઘટાડી 1,000 દિરહામ (272 ડોલર) કરવામાં આવી છે, જે 90 ટકાથી વધુ ઘટાડો દર્શાવે છે. કેટલીક સરકારી સંસ્થાઓને ચુકવવાપાત્ર ફી નાબૂદ કરવામાં આવી છે અને કેટલીક ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય 27 જુલાઈથી અમલી બન્યો છે.

નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી અમિરાતમાં બિઝનેસ કરવાની સરળતામાં નોંધપાત્ર વધારો થશે તથા આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે તેની સ્પર્ધાત્મકતામાં વધારો થશે.

ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના જણાવ્યા અનુસાર યુનાઇટેડ આરબ અમિરાતનો એવા દેશોમાં સમાવેશ થાય છે કે જ્યાં કોઇ ટેક્સ નથી અથવા મામુલી ટેક્સ છે. જોકે યુએઇએ બહુરાષ્ટ્રીય કંપનીઓ પરના ટેક્સ માળખામાં ફેરફાર કરવાની ઐતિહાસિક સમજૂતીને સોમવારે આવકારી હતી.