ફ્લોરિડાના ટેમ્પાનો રહેવાસી નગેન્દ્ર શ્રીવાસ્તવ (58) ઇન્ટરનેશનલ હેલ્થકેર ફ્રોડ સ્કીમમાં છેતરપિંડી કરવાનું ષડયંત્ર આચરવા બદલ દોષિત ઠર્યો છે. તેણે મેડિકેરમાં છેતરપિંડી કરીને ઓછામાં ઓછા 25 મિલિયન ડોલર ઓળવી લેવા કાવતરું ઘડ્યું હતું. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ સ્ટીવ સી. જોન્સ આવતા વર્ષે 19 જાન્યુઆરીના રોજ તેને સજાની સુનાવણી કરશે.
આ અંગે યુએસ એટર્ની રયાન કે. બુચાનને જણાવ્યું હતું કે, આ છેતરપિંડી આચરવા માટે શ્રીવાસ્તવ અને તેના સાગરીતોએ સૌથી નિર્બળ નાગરિકોને લક્ષ્યાંક બનાવ્યા હતા. અમારી ઓફિસ ટેલીમેડિસિનનું શોષણ કરનારાઓને શોધવા અને તેની સામે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને તેઓ તેનો ઉપયોગ તેમની ગુનાઇત યોજનાઓ ઘડવાઓ માટેના પ્લેટફોર્મ તરીકે કરે છે.
જ્યારે એફબીઆઇ આટલાન્ટાના સ્પેશિયલ એજન્ટ ઇન્ચાર્જ કેરી ફાર્લીએ જણાવ્યું હતું કે, હેલ્થકેર છેતરપિંડી કૌભાંડ સમગ્ર દેશને અસર કરે છે. શ્રીવાસ્તવના આવા કૃત્યોના કારણે દેશના ટેક્સપેયર્સને ઓછામાં ઓછા 25 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. તેનું આ ગુનાઇત કૃત્યમાં અંગત લોભ છૂપાયેલો હતો.
યુએસ એટર્ની બુચાનને કોર્ટમાં મુકેલા આરોપો અને અન્ય માહિતી પ્રમાણે નગેન્દ્ર શ્રીવાસ્તવ ફ્લોરિડાસ્થિત કંપની B2B એપ્સ સોલ્યુશન્સ (“B2B”)ના માલિક હતા. તેણે અને તેના સાગરિતોએ B2B દ્વારા ઇન્ટરનેટ-આધારિત પ્લેટફોર્મ બનાવીને તેનું સંચાલન કર્યું હતું, જેનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને બિઝનેસીઝ માટે ડ્યુરેબલ મેડિકલ ઇક્વિપમેન્ટ (“DME”) ફીઝિશિયનના ઓર્ડરની ખરીદી અને વેચાણ માટે કરે છે. આ કેસની તપાસ ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને હ્યુમન સર્વિસીઝ ઓફિસ ઓફ ઇન્સપેક્ટર જનરલ અને ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY