ટાટા મોટર્સ લિમિટેડ અને ફોર્ડ ઇન્ડિયાએ ગુજરાતના સાણંદ ખાતેના ફોર્ડના પ્લાન્ટની ખરીદી માટે ગુજરાત સરકાર સાથે મંગળવાર 30 મેએ સમજૂતી કરી હતી. આ સમજૂતી હેઠળ ફોર્ડના સાણંદ પ્લાન્ટની તમામ જમીન, બિલ્ડિંગ અને વ્હિકલ એસેમ્બલી પ્લાન્ટ હવે ટાટા મોટર્સને સુપરત કરવામાં આવશે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગર ખાતે થયેલી સમજૂતી દરમિયાન ટાટા મોટર્સના શૈલેષ ચંદ્રા અને ફોર્ડ ઇન્ડિયાના ટ્રાન્સફોર્મેશન ઓફિસર અને કંટ્રી હેડ બાલા સુંદરમ હાજર રહ્યાં હતા.

ગાંધીનગરમાં ગુજરાત સરકાર, ટાટા મોટર્સની પેટાકંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ ઈન્ડિયા વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર થયા હતા. ગુજરાત સરકારે 2011માં ફોર્ડ ઈન્ડિયા સાથે કરેલા સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટ હેઠળ તથા ટાટા મોટર્સની પેટાકંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ વચ્ચે થયેલી સમજૂતીના સંદર્ભમાં આ ત્રિપક્ષીય સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.

આ સમજૂતી હેઠળ ફોર્ડ ઈન્ડિયાના વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટના તમામ કર્મચારીઓને ટાટા મોટર્સમાં સમાવી લેવાશે. ફોર્ડ ઈન્ડિયા. સાણંદ ખાતેના પ્લાન્ટમાં એન્જિન ઉત્પાદન યથાવત ચાલુ રાખશે અને આ હેતુસર ટાટા મોટર્સ તેમને લીઝ પર જમીન ઉપલબ્ધ કરાવશે.

ગુજરાત સરકાર નિયમાનુસારની  જરૂરી પરવાનગીઓ માટે મદદરૂપ બનશે. આ ઉપરાંત પાણી, વીજળી, એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી કોમન ફેસિલિટીઝ પણ ટાટા મોટર્સ અને ફોર્ડ ઈન્ડિયા વાપરી શકે તે માટે સહયોગ આપશે..ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનો ના ઉત્પાદનની શરૂઆત થશે અને પર્યાવરણ પ્રિય ગ્રીન મોબીલીટીની પહેલમાં ગુજરાત અગ્રેસર રહેશે.ફોર્ડ મોટર્સના પ્લાન્ટમાં 3043 સીધી રોજગારી અને અંદાજે 20 હજાર જેટલી આડકતરી રોજગારી આપવામાં આવે છે.